નવી દિલ્હીઃ નવી NDA સરકાર બજેટ 2024 પર જોરશોરથી કામ કરી રહી છે. આ બજેટમાં આ વખતે દરેક જણને કંઈક અપેક્ષા છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર આ વખતે બજેટમાં સરકાર રોકાણકારોએ કેપિટલ ગેઇન ટેક્સને મામલે થોડી રાહત આપે એવી શક્યતા છે.
વિશ્લેષકોનું કહેવું છે કે હોલ્ડિંગના સમયગાળાને સુવ્યવસ્થિત કરવા માટે મૂડીલાભ વ્યવસ્થાને તર્કસંગત કરવા માટે અને દરોમાં એકરૂપતા લાવવા માટે આધાર વર્ષમાં ફેરફારથી રોકાણકારોને લાભ થશે. એવી અપેક્ષા છે કે ઘરેલુ ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડમાં એકસમાન હોલ્ડિંગનો સમયગાળો શરૂ કરવા માટે મૂડીલાભ કરના માળખાને સરળ બનાવવામાં આવે એવી સંભાવના છે.
IT કાયદાના હિસાબથી ચલ, અચલ –બંને પ્રકારની સંપત્તિઓના વેચાણથી થનારા લાભ પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવાનો રહે છે. અલગ-અલગ પ્રકારની સંપત્તિઓ –જેવી કે ઇક્વિટી, દેવાં અને રિયલ એસ્ટેટ પર અલગ-અલગ દરો અને સમયગાળા પર ટેક્સ લગાવવામાં આવે છે. જે સૂચવે છે કે લાભ ટૂંકા ગાળાનો છે કે લાંબા ગાળાનો. નિષ્ણાતોના જણાવ્યાનુસાર લિસ્ટેડ સિક્યોરિટીમાં સીધા મૂડીરોકાણ કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પરોક્ષ મૂડીરોકાણ માટે ટેક્સ ગણતરીમાં સમાનતા થવાની શક્યતા છે.
હાલ શેરોમાં કે બોન્ડમાં એક વર્ષથી વધુ માટે સીધા મૂડીરોકાણને લાંબા ગાળાનું મૂડીરોકાણ માનવામાં આવે છે. બીજી બાજુ જો મૂડીરોકાણ મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી કરવામાં આવે છે તો એ લાંબા ગાળાનું મૂડીરોકાણ માટે હોલ્ડિંગ 36 મહિના સુધી વધી જાય છે.