નવી દિલ્હી: બજેટની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. દરેક વ્યક્તિની નજર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પર રહેલી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આગામી બજેટને લઈને લોકોના મંતવ્યો માગ્યા છે. આ ઉપરાંત મોદી દેશના તમામ ઉદ્યોગપતિઓ અને આર્થિક જાણકારો સાથે બેઠક કરી ચૂક્યા છે. નાણામંત્રી પણ આર્થિક જાણકારો અને બેંકરો સાથે સતત મુલાકાત કરી રહી છે.
આર્થિક સુસ્તીના કારણે વિકાસ દર છ વર્ષના ન્યુનતમ સ્તર પર પહોંચી ચૂક્યો છે. સરકારની તિજોરી ઝડપથી ખાલી થઈ રહી છે જેના કારણે એકવખત ફરી રિઝર્વ બેંક પાસેથી 45 હજાર કરોડની મદદ તલાશ કરવામાં આવી રહી છે. બેરોજગારી દર ચરમ પર છે, આર્થિક ગતિવિધિ ઠપ છે. આ સ્થિતિમાં નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણએ અત્યાર સુધીમાં શું કર્યું અને બજેટમાં તેમની પાસેથી શું આશા રાખી શકીએ એ અંગે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.
બજેટ 2019ની જાહેરાત પછી નાણમંત્રીએ ઉદ્યોગ જગતની માંગને સ્વીકાર કરતા કોર્પોરેટ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દીધું. આ નિર્ણયની સરકારી તિજોરી પર દર વર્ષે 1.5 લાખ કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે. આ બજેટમાં કોર્પોરેટ ટેક્સ પર નિર્ણય ઘણો મોટો પડકાર હશે.
સુપર રિચ ટેક્સના નિર્ણયને પાછળથી પરત લેવામાં આવ્યો, કારણ કે, વિદેશી રોકાણકારો દૂર ભાગવા લાગ્યા હતા અને રોકાણ સતત પરત ખેંચવા લાગ્યા હતા. આ કારણે પણ સરકારની આવકમાં ઘટાડો થયો.
સ્ટાર્ટઅપ્સને રાહત આપીને એન્જલ ટેક્સ પાછો ખેંચાયો હતો. જો કે, આનો લાભ લેવા માટે, સ્ટાર્ટઅપ્સને ડીપીઆઇઆઇટીમાં નોંધણી કરાવવી જરૂરી છે.
સરકારે જીએસટીથી જે અપેક્ષા રાખી હતી તેટલી કમાણી કરી નથી. જીએસટીની કમાણી લક્ષ્ય કરતા ઘણી પાછળ છે. આની અસર પણ તિજોરી પર પડી છે. આ તમામ કારણોસર રાજકોષીય ખાધ વધી રહી છે. અનેક પ્રયાસો છતાં સરકાર નક્કી કરેલા નાણાકીય ખાધના લક્ષ્યાંકને પાર કરી રહી છે અને તેને આ બજેટમાં લક્ષ્યની અંદર રાખવી એ એક મોટો પડકાર છે.
ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે 19.6 લાખ કરોડના ખર્ચનું લક્ષ્યાંક નક્કી કર્યું છે, પરંતુ તિજોરી ખાલી હોવાથી ફંડ નથી મળી રહ્યું. આ સ્થિતિમાં સરકાર ફરીથી રિઝર્વ બેંક પાસેથી 45000 કરોડની મદદની અપેક્ષા રાખી રહી છે.
આ બજેટમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન આર્થિક મંદી દૂર કરવા પર રહેશે. માંગમાં થયેલા ઘટાડાને આર્થિક મંદીનું સૌથી મોટું કારણ ગણાવવામાં આવી રહ્યું છે. માંગને વેગ આપવાનો સરકારની પ્રાથમિકતા રહેશે. માંગને વેગ આપવા માટે સરકાર લોકોના હાથમાં વધુને વધુ પૈસા આપવા માંગે છે, પરંતુ અત્યાર સુધીના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. તેથી, આશા છે કે બજેટમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો અને ફેરફાર કરવામાં આવી શકે છે.