કેન્દ્રીય બજેટ-૨૦૧૯: પ્રત્યક્ષ કરવેરાની જોગવાઈઓ

મુંબઈ – નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે લોકસભામાં રજૂ કરેલા વર્ષ 2019-20ના કેન્દ્રીય બજેટની જાહેરાત મુજબ પ્રત્યક્ષ કરવેરાની જોગવાઈઓ નીચે મુજબ છેઃ

– 400 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે કરવેરાનો દર 25 ટકા રહેશે. અત્યાર સુધી ટર્નઓવરની મર્યાદા 250 કરોડ રૂપિયાની હતી.

આ જોગવાઈ દ્વારા મોટાભાગની કંપનીઓને આવરી લેવાઈ છે. હવે માત્ર 0.7 ટકા કંપનીઓને 25 ટકા કરતાં વધુ ટેક્સ લાગુ પડશે. કૉર્પોરેટ ક્ષેત્ર માટે આ ઘણો મોટો ફેરફાર છે. 2થી 5 કરોડ અને 5 કરોડથી વધુ એમ બન્ને સ્લેબમાં આવનારા કરદાતાઓ માટે સરચાર્જ વધારી દેવામાં આવ્યો છે. 


– રહેણાક પ્રોપર્ટી વેચીને સ્ટાર્ટ અપમાં રોકાણ કરવામાં આવે તો તેના પર લાગતા કેપિટલ ગેઇન્સને નાણાકીય વર્ષ 2020-21 સુધી કરમુક્તિ આપવામાં આવી છે.

વળી, સ્ટાર્ટ અપ માટે એકઠા કરાયેલા ભંડોળને શેરના પ્રીમિયમના મૂલ્યાંકન સંબંધે કોઈ સ્ક્રુટિની લાગુ નહીં પડે. ઉપરાંત, સ્ટાર્ટ અપના રોકાણકાર અને નાણાંના સ્રોત બાબતે આવક વેરાની સ્ક્રુટિની લાગુ નહીં પડે.