મુંબઈ – દેશના શેરબજારોમાં સતત નવી પહેલ કરી રહેલા વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જ બીએસઈએ સોમવારથી રિક્વેસ્ટ ફોર ક્વોટ (આરએફક્યુ) પ્લેટફોર્મ લાઈવ કર્યું છે, જેમાં ડેટ સિક્યુરિટીઝનું કામકાજ અને સેટલમેન્ટ થઈ શકે છે. આ અંગે સેબીની મંજૂરી મળ્યા બાદ એક્સચેન્જે આ પ્લેટફોર્મ લાઈવ કર્યું છે.
આરએફક્યુ પ્લેટફોર્મ વેબઆધારિત ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેના પર કોર્પોરેટ બોન્ડ્સ, કમર્શિયલ પેપર્સ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, જી-સેક, ટી-બિલ્સ, સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ, મ્યુનિસિપલ બોન્ડ્સ અને સિક્યુરિટાઈઝ્ડ ડેટનું ટ્રેડિંગ અને સેટલમેન્ટ થઈ શકે છે.
આ નવું ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઓટીસી માર્કેટ્સ કરતાં વધુ સારાં ફીચર્સ અને લવચીકતા ધરાવે છે અને વધુ કાર્યક્ષમતા અને પારદર્શકતા પૂરી પાડે છે. આરએફક્યુ બીએસઈની કોર્પોરેટ ડેટ સિક્યુરિટીઝ માટેની વર્તમાન રિપોર્ટિંગ અને સેટલમેન્ટ પ્લેટફોર્મ એનડીએસ-આરએસટીનો હિસ્સો છે.
આ નવા પ્લેટફોર્મની વિશિષ્ટતાઓમાં અત્યાધુનિક વેબ-આધારિત ટ્રેડિંગ પ્લેટફોર્મ, રજિસ્ટ્રેશનની સરળ પ્રક્રિયા, કામગીરી પ્રમાણેનું યુઝર મેનેજમેન્ટ અને કાઉન્ટરપાર્ટી આધારિત રિસ્ક મેનેજમેન્ટ અને કોર્પોરેટ બોન્ડ્સમાં સેટલમેન્ટ માટે થયેલા વેપારના સ્વયં પ્રવાહનો સમાવેશ થાય છે.