મુંબઈઃ BSEએ કંપનીઓ સીધું મૂડીરોકાણ કરી શકે એ માટે સ્ટાર MF કોર્પ ડાયરેક્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે, જેમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, ડિસ્ટ્રિબ્યુટર્સ, રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સહભાગીઓ માટેની એન્ડ ટુ એન્ડ વેલ્યુ બેઝ્ડ સુવિધા છે. આ પોર્ટલ કંપનીઓ માટે લાઇવ છે અને ટૂંક સમયમાં તે અન્ય હસ્તીઓ (HUF, ભાગીદારી પેઢીઓ, સોસાયટીઓ વગેરે) માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે. આ પોર્ટલ ઘણાં નવાં ફીચર્સ ધરાવે છે.
આ પ્રસંગે BSEના મ્યુચ્યુઅલ ફંડ્સ વિભાગના વડા ગણેશ રામે કહ્યું કે આ વર્ષે નિયામકે એક્સચેન્જીસને મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટને સીધા પ્રોસેસ કરવાની મંજૂરી આપી છે તેનાથી સમકક્ષ ભૂમિકા ઉદભવી છે. આ તકને ઝડપી લઈ BSEએ સ્ટાર MF કોર્પ ડાયરેક્ટ પોર્ટલની સ્થાપના કરી છે, જે કંપનીઓના રોકાણ કરવાના અનુભવને વધુ બહેતર બનાવશે. હવે કંપનીઓ બધી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અને સ્કીમ્સ સાથે એકસાથે ટ્રાન્ઝેક્શન કરી શકશે અને એ માટે તેમણે બહુવિધ પ્લેટફોર્મ્સ પર જવાની જરૂર નહિ રહે. કોર્પ ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે અને કંપનીઓની કાર્યક્ષમતામાં વધારો કરશે.