અમદાવાદઃ ભારતીય શેરબજાર સપ્તાહના અંતે રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયા હતા. નિફ્ટી 137.90 પોઇન્ટ ઊછળી 18,826ના સ્તરે બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 466.95 પોઇન્ટ વધીને 63,384.58ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી 50 એના સૌથી ઊંચા સ્તરે માત્ર 63 પોઇન્ટ દૂર છે. આ પહેલાં શેરબજારનો રેકોર્ડ હાઇ બંધ પહેલી ડિસેમ્બર,2022એ જોવા મળ્યો હતો, જેમાં નિફ્ટી 18,812.50ના મથાળે અને સેન્સેક્સ 63,284.19ના મથાળે બંધ રહ્યો હતો. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ FTSE ઇન્ડેક્સમાં હાલમાં ફેરફારથી અનેક ભારતીય શેરોમાં વિદેશી મૂડીરોકાણ વધવાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબૂત થયું છે.
આ ફેરફારથી ભારતીય શેરોમાં આશરે 15થી 20 કરોડ ડોલરનું મૂડીરોકાણ આવવાની અપેક્ષા છે. રોકાણકારોઅ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસની સાથે ભારત સરકારની ચર્ચાનું પણ સ્વાગત કર્યું છે. સરકારે વૈશ્વિક એજન્સીથી રેટિંગ વધારવાની માગ કરી છે. મૂડીઝે હાલમાં ભારતને સ્થિર આઉટલૂકની સાથે Baa3ના નીચલા મૂડીરોકાણના ગ્રેડમાં રાખ્યું છે.
બજારમાં એનાલિસ્ટોના જણાવ્યા મુજબ બેન્કિંગ, ફાર્મા અને કન્ઝ્યુમર શેરોમાં લેવાલી અને વૈશ્વિક બજારોમાં પ્રોત્સાહક સંકેતોને પગલે ઘરેલુ બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં PSU બેન્ક ઇન્ડેક્સ 1.4 ટકા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એક ટકો અને હેલ્થકેર ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યા હતા, જ્યારે BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.7 ટકા વધીને બંધ રહ્યા હતા.