પાંચ સપ્તાહમાં BSE સેન્સેક્સ 7700થી વધુ પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી અને ફેડ બેઠક પહેલાં સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ઇન્ટ્રા-ડેમાં આશરે સેન્સેક્સ એક તબક્કે 1500 પોઇન્ટ તૂટ્યો હતો. જોકે બજાર બંધ થતાં પહેલાં વેચાણો કપાતાં સેન્સેક્સ નીચા મથાળેથી સુધર્યો હતો. નિફ્ટી આશરે બે ટકા તૂટીને 23,800ના સ્તરે આવી ગયો હતો. નિફ્ટીનું આ છઠ્ઠી ઓગસ્ટ પછી સૌથી નીચલું સ્તર છે. રોકાણકારોએ રૂ. છ લાખ કરોડ ગુમાવ્યા હતા.

ઘરેલુ શેરબજારમાં FII સતત વેચવાલ રહ્યા છે. ચીનથી એક વધુ પ્રોત્સાહન પેકેજ જાહેર થવાની અપેક્ષાએ ભારતમાં ફંડો વેચવાલી કરી રહ્યા છે. વળી, અમેરિકી ચૂંટણી પહેલાં ફોરેન ફંડો નફારૂપી વેચવાલી કરી રહ્યા છે. કંપનીઓનાં બીજા ત્રિમાસિક ગાળાનાં પ્રતિકૂળ પરિણામોને કારણે FII અત્યાર સુધી રૂ. 1,13,858 કરોડની વેચવાલી કરી છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.

BSE સેન્સેક્સ 942 પોઇન્ટ તૂટીને 78,782ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 309 પોઇન્ટ તૂટીને 23,995ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ 459 પોઇન્ટ તૂટીને 51,215ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 712 પોઇન્ટ તૂટીને 55,785ના સ્તરે બંધ થયો હતો.

શેરબજાર માટે ઓક્ટોબર મહિનો કોરોના કાળ પછી સૌથી વધુ ઘટાડાનો મહિનો રહ્યો હતો. મુહૂર્ત ટ્રેડિંગ સિવાય નવેમ્બરના પ્રારંભે શેરોમાં મોટો ઘટાડો થયો હતો. સેન્સેક્સ છેલ્લાં પાંચ સપ્તાહના 25 ટ્રેડિંગ સેશનમાં 7700થી વધુ પોઇન્ટ તૂટી ચૂક્યો છે. 27 સપ્ટેમ્બરે સેન્સેક્સ 85,978ના રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી સતત ચાર સપ્તાહ સુધી તૂટતું રહ્યું છે.

BSE એક્સચેન્જ પર કુલ 4098 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 581 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2006 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 136 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 219 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 227 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.