મુંબઈ: બીએસઈ અને આઈએનએક્સ ઈન્ડિયાએ ‘સેબી’ અને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન (આઈઓએસસીઓ)ના નેજા હેઠળ સોમવારથી શરૂ થયેલા સપ્તાહને ‘વર્લ્ડ ઈન્વેસ્ટર વીક’ તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી એ મુજબ આજે બંનેએ રોકાણકારોમાં જ્ઞાન અને રક્ષણ સંબંધિત જાગૃતિ લાવવા માટેના પ્રારંભ તરીકે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બીએસઈના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ‘સેબી’ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જી.પી. ગર્ગ સહિત ‘સેબી’ના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જી.પી. શાહે કહ્યું કે સિક્યુરિટીઝ માર્કેટમાં રોકાણકારો મુખ્ય સ્તંભ છે. તેમના રક્ષણ અને જ્ઞાનથી બજારમાં તેમની સામેલગીરી વધશે.
બીએસઈના ચીફ રેગ્યુલેટરી ઓફિસર નીરજ કુલશ્રેષ્ઠે કહ્યું કે બજારમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં પ્રચંડ વધારો થયો છે એ જોતાં નિયામકોની રોકાણકારોનાં હિતોની રક્ષા કરવાની જવાબદારી વધી છે. આ પ્રકારની ઉજવણીઓ રોકાણકારોમાં જ્ઞાન અને જાગૃતિ વધારશે, પરિણામે તેમનો આત્મવિશ્વાસ વધશે.
બીએસઈ આઈપીએફના વડા ખુશરો બલસારાએ વર્લ્ડ ઈન્વેસ્ટર વીક દરમિયાન યોજાયેલી પ્રવૃત્તિની યાદી રજૂ કરી હતી અને તેમણે રોકાણકારોને ઝડપથી ધનવાન બનાવવાની લાલસા આપતી યોજનાઓ, ફિશિંગ કૌભાંડો, વગેરેથી સાવધ રહેવાનું જણાવ્યું હતું.
આઈએનએક્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે કહ્યું કે રોકાણકારો અને ઈશ્યુઅર્સમાં જાગૃતિ અને શિક્ષણ માટે વર્લ્ડ ઈન્વેસ્ટર વીકની ઉજવણીમાં સામેલ થતાં અમે આનંદ અનુભવી રહ્યા છીએ. અમે અમારા નિયામક આઈએફએસસીએ અને તેમની સંપૂર્ણ ટીમ પ્રતિ ગિફ્ટ આઈએફએસસીમાં વિવિધ રોકાણ તકોના સર્જન માટે આભાર વ્યક્ત કરીએ છીએ.
બીએસઈએ વર્લ્ડ ઈન્વેસ્ટર વીક 2022ની ઉજવણી માટે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ સાથે મળીને દૈનિક ક્વિઝ પ્રોગ્રામ્સનું આયોજન કર્યું છે, જેમાં વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. મહિલાઓની સામેલગીરીને ઉત્તેજન આપવા માટે તેના ટોક શો પણ યોજવામાં આવ્યા છે. રોકાણકારો માટે એક એવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સલામત રોકાણનો સંદેશ આપતી વિડિયો ક્લિપ સુપરત કરવાની છે. સલામત રોકાણ માટેનાં શેરી નાટકોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.