મુંબઈઃ ભારતમાં BMW (Bayerische Motoren Werke) કંપનીની કાર રૂ. 5,20,000 કે તેથી વધુ રકમ જેટલી મોંઘી થશે. જર્મન ગ્રુપની ભારતીય પેટાકંપની BMW ઈન્ડિયાએ તેની તમામ મોડેલની કારની કિંમતમાં બે ટકા જેટલો વધારો કરવાનું નક્કી કર્યું છે. નવી કિંમત 2024ની જાન્યુઆરીથી અમલમાં આવશે. BMW XM કાર ભારતમાં આ બ્રાન્ડની સૌથી મોંઘી કાર છે. તેની કિંમત રૂ. 2.60 કરોડ છે. તેની કિંમતમાં બે ટકાનો વધારો થશે એટલે તે રૂ. 5,20,000થી વધારે રકમની મોંઘી થશે.
BMW ઈન્ડિયાના પ્રેસિડેન્ટ વિક્રમ પાવાહનું કહેવું છે કે, ‘અમારી કંપનીએ તમામ મોડેલ્સની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય વિવિધ પરિબળો વિશે વિસ્તૃતપણે વિચાર કર્યા બાદ લીધો છે. વિનિમય દરોમાં સતત થતા રહેતા પરિવર્તન અને કાચા માલની કિંમતમાં થતા રહેતા વધારાને ધ્યાનમાં રાખીને તમામ મોડેલની કારની કિંમતમાં વધારો કરવાનું અમે નક્કી કર્યુ છે. આનાથી અમે અમારી તમામ કારની ગુણવત્તાને જાળવી શકીશું જેથી અમારા ગ્રાહકોને BMW કારની ખરીદી કરવાનો જરાય અફસોસ ન થાય.’
BMW ઈન્ડિયા BMW ગ્રુપની 100 ટકા માલિકીની પેટાકંપની છે. તેનું વડુંમથક ગુરુગ્રામમાં આવેલું છે. BMW ગ્રુપે આ કંપનીમાં રૂપિયા 5.2 અબજનું મૂડીરોકાણ કર્યું છે. ભારતમાં તે વિવિધ પ્રકારની બિઝનેસ પ્રવૃત્તિ ધરાવે છે. જેમ કે, ચેન્નાઈમાં એનો ઉત્પાદન પ્લાન્ટ છે, પુણેમાં છૂટા ભાગોનું વેરહાઉસ છે, ગુરુગ્રામમાં ટ્રેનિંગ સેન્ટર છે. BMW ઈન્ડિયામાં કુલ 650 કર્મચારીઓ છે.
BMW ભારતમાં આ મોડેલ્સની કાર બનાવે છેઃ BMW 2 સીરિઝ ગ્રેન કૂપે, BMW 3 સીરિઝ ગ્રેન લિમોઝીન, BMW M 340im BMW 5 સીરિઝ, BMW 6 સીરિઝ, BMW 7 સીરિઝ, BMW X1, BMW X3, BMW X5, BMW X7 અને મિની કન્ટ્રીમેન.