7000 કરોડનું દાન કરશે ભારતી પરિવાર, ગરીબો માટે બનશે યુનિવર્સિટી

નવી દિલ્હીઃ જાણીતા ઉદ્યોગપતિ સુનીલ મિત્તલે એક જાહેરાત કરતા જણાવ્યું છે કે ભારતી પરિવાર પોતાની સંપત્તિનો 10 ટકા જેટલો ભાગ પરમાર્થે વાપરશે. મિત્તલે જણાવ્યું કે પરિવારે પોતાની 10 ટકા સંપત્તિ ભારતી ફાઉન્ડેશનને આપવામાં આવશે. જેનાથી તેઓના સેવાકીય કાર્યોને વધુ વેગ મળે. 10 ટકાના હિસાબથી જો ભારતી પરિવારની સંપત્તિનું મૂલ્યાંકન કરીએ તો 7 હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે એટલે કે ભારતી પરિવાર કુલ 7 હજાર કરોડ રૂપિયાનું દાન કરશે.

ભારતી એન્ટરપ્રાઈઝના સંસ્થાપક ચેરમેન મિત્તલે જણાવ્યું કે આ રકમમાં ભારતી એરટેલમાં પરિવારની 3 ટકા ભાગીદારીનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે ભારતી પરિવાર સમાજના ગરીબ વર્ગના વંચિત યુવાનોને મફતમાં શિક્ષણ માટે સત્ય ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. નવી પેઢીની આ યુનિવર્સિટી વિજ્ઞાન અને પ્રાદ્યોગિકતા કેન્દ્રિત હશે જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજંસ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને રોબોટિક્સનો પણ સમાવેશ થાય છે.

પ્રસ્તાવિત યૂનિવર્સિટીની સ્થાપના ઉત્તર ભારતમાં 2021 સુધીમાં કરી દેવામાં આવશે. મિત્તલે જણાવ્યું કે ભારતી પરિવારે જે રકમ આપવાનો સંકલ્પ કર્યો છે તેમાં સૌથી વધારે રકમ યુનિવર્સિટી પ્રોજેક્ટમાં ખર્ચાશે. યુનિવર્સિટી માટે જમીનનો નિર્ણય હજી થવાનો બાકી છે અને કુલ 10 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની યોજના બનાવવામાં આવી છે.