બજેટ ભાષણમાં જેટલી રચી શકે છે ઈતિહાસ, આઝાદ ભારતમાં આવું થશે પ્રથમવાર

નવી દિલ્હી- નાણાપ્રધાન અરૂણ જેટલી વડાપ્રધાન મોદીના રસ્તે ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મોદી તમામ મોટા આયોજનો અને સમારોહમાં હિંદીમાં જ ભાષણ આપવાને પ્રાથમિકતા આપે છે, હવે જેટલી પણ આમ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર જેટલી આ વખતે અંગ્રેજીની જગ્યાએ હિંદીમાં બજેટનું ભાષણ રજૂ કરી શકે છે. આઝાદ ભારતના ઈતિહાસમાં અત્યાર સુધી તમામ નાણા પ્રધાનોએ અંગ્રેજીમાં બજેટ રજૂ કર્યા છે. જો જેટલી હિંદીમાં બજેટ રજૂ કરશે તો તેઓ દેશના પ્રથમ એવા નાણાપ્રધાન હશે કે જેમણે પોતાનું બજેટ ભાષણ હિંદીમાં રજૂ કર્યું હોય.

સુત્રોનું માનીએ તો જેટલીની હિંદીમાં ભાષણ આપવાની પાછળ રણનીતિ એ છે કે સામાન્ય માણસો પણ બજેટ પ્રત્યે રૂચી દાખવે. ખાસ કરીને ગ્રામીણ પ્રદેશના લોકોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો વિચાર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે મોદી સરકારનું આ અંતિમ પૂર્ણ બજેટ છે અને આના દ્વારા સરકાર સામાન્ય ચૂંટણી પહેલા લોકોને લોભાવવાની કોશીષ કરશે. બજેટમાં કૃષિ એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ હોય છે અને આ વર્ષે આ સેક્ટરમાં વિશેષ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતાઓ છે.

જો જેટલી હિંદી ભાષામાં બજેટ રજૂ કરે છે તો તેનો ફાયદો એ થશે કે સામાન્ય માણસ પણ બજેટ પ્રત્યે રસ દાખવશે. ખાસ કરીને ખેડૂત સમુદાય બજેટને લઈને પોતાનો લગાવ વધારી શકે છે.