એપલ આઈફોન, આઈપેડ યૂઝર્સ પર ‘મોટું જોખમ’; ભારત સરકારની ચેતવણી

મુંબઈઃ અમેરિકાની એપલ કંપનીના આઈફોન સ્માર્ટફોનની લોકપ્રિયતા દુુનિયાભરમાં ફેલાઈ છે. એપલની iOS સિસ્ટમ દુનિયામાં વ્યાપકપણે વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ છે. દુનિયાભરમાં 1.46 અબજ લોકો આ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આમાં અંદાજે 4 કરોડ લોકો ભારતમાં છે જેઓ આઈફોન વાપરે છે. આને લીધે iOS અને એપલ આઈપેડ્સમાં વપરાતી સંલગ્ન ઓપરેટિંગ સિસ્ટમ iPadOS સાઈબર હુમલાઓની અવારનવાર ટાર્ગેટ બને છે, જે ગ્રાહકોને બહુ ખરાબ રીતે અસર પહોંચાડે છે.

ભારત સરકાર આવી દ્વેષયુક્ત પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે અને તેણે 16.7.1. વર્ઝન પહેલાના એપલ iOS અને iPadOS યૂઝર્સ માટે ચેતવણી ઈશ્યૂ કરી છે. કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ઈન્ડિયન કમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમ દ્વારા તેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચેતવણીરૂપ OS સિસ્ટમ આઈફોન 8 તતા તે પછીના ડિવાઈસીઝ માટે છે. તેમજ આઈપેડ Pro, આઈપેડ Air ત્રીજી અને તે આવૃત્તિઓ, આઈપેડ પાંચમી તથા તે પછીની આવૃત્તિઓ અને iPas મિની પાંચમી તથા તે પછીની આવૃત્તિના મોડેલ્સને લાગુ પડે છે.

સ્કેમર્સ (કૌભાંડકારીઓ) આવા ડિવાઈસ પર કન્ટ્રોલ જમાવી શકે છે અને યૂઝરના ગેજેટ્સમાંની ખાનગી તથા સંવેદનશીલ માહિતી ચોરી શકે છે. આઈફોન ઉત્પાદક એપલ કંપની તેની ઓપરેટિંગ સિસ્ટમ્સ માટે નિયમિત રીતે અપડેટ્સ રિલીઝ કરતી હોય છે, પરંતુ ઘણા યૂઝર્સ એમનાં ડિવાઈસીસને અપડેટ કરતાં નથી. એમાં અનેક કારણો હોય છે, યૂઝરને જૂની સિસ્ટમની વધારે ફાવટ આવી ગઈ હોય છે, અથવા સ્ટોરેજ કે તારીખની સમસ્યા પણ એમને સતાવતી હોય છે. પરંતુ એમ કરવાથી તેઓ એમના આઈફોન કે આઈપેડને સ્કેમર્સના હવાલે કરી દેતા હોય છે.