મુંબઈઃ ગૂગલ કંપની ટૂંક સમયમાં જ એક નવું મેસેજ બોક્સ શરૂ કરવાનું છે જેનાથી એન્ડ્રોઈડ યૂઝર્સને ઈમેલ્સનો જવાબ આપવાનું સહેલું થશે. ‘એન્ડ્રોઈડ પોલીસ’ના જણાવ્યા મુજબ, એન્ડ્રોઈડ યૂઝર્સને ટૂંક સમયમાં એમને મળેલા જીમેલની નીચે એક મેસેજ બોક્સ જોવા મળશે. તે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ જેવું જ હશે. એને ટેપ કરવામાં આવશે એટલે મેસેજ બોક્સમાં ટેક્સ્ટ ટાઈપ કરવાનો ભાગ પહોળો થશે અને તે સ્ક્રીનની મધ્યમાં આવી જશે. એનાથી ટેક્સ્ટ માટેની જગ્યા વધી જશે. સાથોસાથ, મૂળ ઈમેલ પણ જોઈ શકાશે.
આ મેસેજ બોક્સ વિશે ગૂગલે હજી સુધી સત્તાવાર રીતે કોઈ કમેન્ટ કરી નથી. કદાચ એ હજી ટેસ્ટિંગમાં હશે. નવું મેસેજ બોક્સ સ્ક્રીનની નીચે દેખાશે એટલે તમારે એ જોવા માટે સ્ક્રોલ ડાઉન કરીને જીમેલની નીચે જવાની જરૂર નહીં પડે. વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સમાં હોય છે એવું જ મેસેજ રાઈટિંગ ફિલ્ડ જીમેલમાં મળશે. જીમેલ યૂઝર કોઈ પણ ઈમેલનો જવાબ આપવા માટે ચેટ-જેવા બોક્સનો ઉપયોગ કરી શકશે. લાંબા મેસેજ ટાઈપ કરવા માગનારા કે વિગતવાર જવાબ આપવા માગતા લોકો માટે આ મેસેજ બોક્સ ઉપયોગી થશે.