લ્યો, હવે તો એલેક્સા ય હિન્દીમાં વાત કરવા તૈયાર છે!

નવી દિલ્હી: આજકાલ દેશમાં હિન્દી ભાષાને લઇને વિવાદ ચાલે છે તો બીજી તરફ ટેકનોલોજીના વિશ્વમાં પણ હિન્દીને લઇને એક સારા ન્યૂઝ જાણવા મળ્યા છે. અલબત્ત, આ સમાચારને હિન્દી ભાષાને લગતા આ વિવાદ સાથે કોઇ લેવાદેલા નથી.

વાત છે એમેઝોન વોઇસ આસિસ્ટન્ટ એલેક્સાની. સ્માર્ટફોનનો સ્માર્ટ ઉપયોગ કરતા લોકો ગુગલના ગૂગલ આસિસ્ટન્ટ,એપલના સીરી કે અમેઝોનના એલેકસા જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટથી પરિચિત છે અને તેનો યુઝ પણ કરતા હોય છે. ગૂગલ આસીસ્ટન્ટ અનેક ભાષામાં તમારી સાથે વાત કરી શકે છે અને તમારી ડિમાન્ડ મુજબ માહિતી પૂરી પાડે છે. ભારતના વિશાળ માર્કેટ અને કરોડો યુઝર્સને ધ્યાનમાં રાખીને હવે એમેઝોને એલેક્સાને વધુ સ્માર્ટ બનાવ્યુ છે.

હવે એલેક્સા સાથે તમે હિન્દીમાં વાત કરી શકશો. બોલીવુડના ગીતો સાંભળવા હોય કે પછી ક્રિકેટનો સ્કોર જાણવો હોય એલેક્સા હવે તમને હિન્દી અને અંગ્રેજીમાં તમામ માહિતી આપશે. એલેક્સાના આ ફિચરને ગઈકાલે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એલેક્સામાં અન્ય ભારતીય ભાષાઓ જેવી કે, તમિલ, મરાઠી અને પંજાબીમાં પણ ઉપયોગ કરી શકાશે.

એમેઝોન એલેક્સા વોઈસ આસિસ્ટન્ટને 500થી વધુ એલેક્સા સ્કીલ્સ અને 11 હિન્દી શબ્દોની સાથે ટ્રેનિંગ આપવામાં આવી છે. આમાં યૂઝર્સ કબીરના દુહા, પંચતંત્રની વાર્તાઓ, બોલીવુડ ડાયલોગ ઉપરાંત હિન્દીમાં જોક્સ પણ સાંભળી શકશે.

એલેક્સા મારફતે હવે યૂઝર્સ મ્યૂઝિક પ્લે કરવાથી લઈને પ્રશ્ન પૂછવા, સમાચાર સાંભળવા, ટાઈમર સેટ કરવું, આલાર્મ સેટ કરવો અને કેલેન્ડર મેનેજ કરવા જેવા કામ હિન્દીમાં પણ કરી શકશો. આ ઉપરાંત Echo ડિવાઈસમાં વીડિયો જોવાથી લઈને વોઈસ કન્ટ્રોલ કરવા સુધીના કામ કરી શકાશે. એટલું જ નહીં, એલેક્સા હવે તમારા સ્માર્ટ હોમને પણ હિન્દીમાં કન્ટ્રોલ કરી શકશે.

રસપ્રદ વાત એ છે કે કોઇ માણસ જેમ નવી ભાષા શીખે ત્યારે નવા નવા શબ્દો શીખતો જોય તે રીતે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ પણ શીખે છે. લોકો જેમ તેનો વધુ ઉપયોગ કરે તેમ તેમ મશીન લર્નીંગથી વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની ભાષા પણ સમૃધ્ધ થતી જાય છે.