ગુજરાત હાઈકોર્ટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની ફાળવણીને મંજૂરી આપી

અમદાવાદ – ગુજરાત હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આજે મહત્ત્વની મંજૂરી આપી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટેના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાના સરકારના નિર્ણયની વિરુદ્ધમાં અને સરકાર તરફથી જે વળતર અપાવાનું છે તે અપૂરતું છે એવી કિસાનોએ નોંધાવેલી 61માંથી 59 પીટિશનોને હાઈકોર્ટે નકારી કાઢી છે.

508 કિ.મી. લાંબો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. એ માટે જમીન સંપાદન કરવાના સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવાનો ન્યાયમૂર્તિઓ અનંત દવે અને બિરેન વૈષ્ણવની બેન્ચે ઈનકાર કરી દીધો છે.

ન્યાયાધીશોએ કેન્દ્રના જમીન સંપાદન કાયદા માટે 2016ની સાલમાં ગુજરાત લક્ષી કરવામાં આવેલા સુધારાની કાયદેસરતાને માન્ય રાખી છે. કોર્ટે એવી નોંધ પણ લીધી હતી કે આ પ્રોજેક્ટ બહુ-રાજ્યલક્ષી હોવા છતાં કેન્દ્ર સરકારે જમીન સંપાદન કરવા માટે ગુજરાત સરકારને એક્ઝિક્યૂટિવ સત્તા મંજૂર કરી છે.

ન્યાયાધીશોએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિએ પણ કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપી છે તેથી ગુજરાત રાજ્ય હવે જમીન સંપાદન પ્રક્રિયા માટેનું નોટિફિકેશન ઈસ્યૂ કરી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]