નવી દિલ્હીઃ દુનિયાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેજોસે ગરીબોની મદદ માટે 2 અરબ ડોલર એટલે કે 14,500 કરોડ રુપિયા દાન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પરોપકાર માટે એક ફંડની શરુઆત કરી છે જેનાથી બેઘર પરિવારો અને ગરીબ બાળકોની મદદ કરવામાં આવશે.
આ ફંડ બે ભાગમાં વહેંચાશે. જે ડે-1 ફેમિલીઝ ફંડ અને ડે 1 એકેડમીઝ ફંડ હશે. આ ફંડની શરુઆતની જાહેરાત કરતા બેજોસે ટ્વિટ કરીને જણાવ્યું કે બેજોસ ડે વન ફંડની જાહેરાત કરતા અમને ખૂબ ખુશી થાય છે. આની શરુઆતમાં 2 અબજ ડોલર આપવાના છે અને આમાં બે મુખ્ય ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવશે.
બેજોસે જણાવ્યું કે ડે 1 ફેમિલીઝ ફંડ દ્વારા સામાજિક કાર્યોમાં જોડાયેલી સંસ્થાઓ, નાગરિક સંગઠનોને વાર્ષિક એવોર્ડ પણ આપવામાં આવશે. ડે 1 એકેડમીઝ ફંડ દ્વારા એક ઉચ્ચ સ્તરીય પૂર્ણ સ્કોલરશિપ વાળી પ્રી-સ્કૂલોનું નેટવર્ક ઉભુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એમેઝોનના સીઈઓની કુલ સંપત્તિ 160 અબજ ડોલરથી વધારે છે. ફોર્બ્સ અનુસાર બેજોસ દુનિયાના મોટા ધનીક વ્યક્તિ છે. આ પહેલા અમેરિકામાં જ માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે અરબો ડોલરનું દાન કર્યું હતું. તેમણે મેલિંડા એન્ડ ગેટ્સ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા આશરે 27 અરબ ડોલરનું દાન કર્યું હતું. અમેરિકાના જ દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે પણ 21.5 અબજ ડોલરની સંપત્તિને પરોપકારમાં લગાવી દીધી છે.