ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની ટિકિટો પર એર ઈન્ડિયા આપે છે ડિસ્કાઉન્ટ

મુંબઈ – જુદી જુદી એરલાઈન્સ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે રોજેરોજ નિતનવી ડિસ્કાઉન્ટ ઓફર અને સ્કીમ રજૂ કરે છે. હવે ભારત સરકાર હસ્તકની એર ઈન્ડિયા પણ આ લીગમાં સામેલ થઈ છે. એણે તેની સાઉથ ઈસ્ટ એશિયા પ્રમોશન સ્કીમ અંતર્ગત 15 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

આ ઓફર એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ ટિકિટ્સ પર માન્ય છે.

એર ઈન્ડિયા બેંગકોક, હોંગ કોંગ અને સિંગાપોરની ફ્લાઈટ ટિકિટો પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

એર ઈન્ડિયાની વેબસાઈટ પર જણાવ્યા મુજબ, આ ડિસ્કાઉન્ટ માત્ર ભારતમાંથી રવાના થતી ફ્લાઈટ્સ પર જ લાગુ છે.

ટ્રાવેલ પીરિયડ 6 સપ્ટેંબરથી 27 ઓક્ટોબર તેમજ 2019ના 7 જાન્યુઆરીથી 19 એપ્રિલ સુધીનો નક્કી કરાયો છે.

એર ઈન્ડિયાએ એમ પણ કહ્યું છે કે આ ઓફર બેંગકોક, હોંગકોંગ અને સિંગાપોર માટે ભારતમાં અન્ય કોઈ પણ સ્થળેથી અન્ય કોઈ પણ નોન-સ્ટોપ ફ્લાઈટ પરના પ્રવાસ માટે માન્ય નથી. આ ઓફર એર ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ અને મોબાઈલ એપ પરથી કરાયેલા બુકિંગ માટે જ લાગુ છે.

વધુમાં, આ ઓફર એર ઈન્ડિયા એક્સપ્રેસ અથવા અન્ય કોઈ પણ કોડ શેર ફ્લાઈટ્સ ઉપર પણ લાગુ નથી.

ઓફરનો બુકિંગ પીરિયડ 30 સપ્ટેંબર, 2018 સુધી માન્ય છે.