નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ એક નવી નીતિ રજૂ કરી છે, જે નીતિ અંતર્ગત પોતાના પાઇલટને નિવૃત્તિ પછી પણ પાંચ વર્ષના સમયગાળા માટે એક્સટેન્શન આપશે. જોકે કંપનીના પાઇલટ્સ અત્યારે 58 વર્ષે નિવૃત્ત થઈ જાય છે, એમ ચીફ હ્યુમન રિસોર્સ ઓફ એર ઇન્ડિયાએ પત્રમાં જણાવ્યું છે. કંપનીએ વિસ્તરણ યોજના ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. DGCAએ પાઇલટોને 65 વર્ષની ઉમર સુધી વિમાન ઉડાડવાની મંજૂરી આપી છે. જોકે આ નિર્ણય મોટા ભાગની એરલાઇન કંપનીઓમાં લાગુ છે.
એર ઇન્ડિયા પોતાના કાફલામાં 200થી વધુ વિમાનોને સામેલ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં 70 ટકા વિમાન નાનાં હશે. કંપનીએ કહ્યું હતું કે કંપનીની જરૂરિયાતોને પૂરી કરવા માટે હાલના પાઇટલટોને રિટાયરમેન્ટ પછી પાંચ વર્ષ માટે એટલે કે 65 વર્ષની ઉંમર સુધી કોન્ટ્રેક્ટને આધારે રાખવાનો પ્રસ્તાવ છે.
જોકે કંપની આગામી બે વર્ષમાં નિવૃત્ત થતા પાઇલટોની પાત્રતાની તપાસ કરવા માટે HR, ઓપરેશન અને ફ્લાઇટ સેફ્ટીના પ્રતિનિધિઓની એક સમિતિ રચવાનો નિર્ણય પણ લીધો છે. આ સમિતિ પાઇલટની પાત્રતા ચકાસશે. સમિતિ નક્કી કરશે કે આગામી બે વર્ષમાં નિવૃત્ત થનારા કયા પાઇલટોને એક્સટેન્શન આપવું.
કંપનીના નવા નિમણૂક થયેલા CMD કેમ્પબેલ વિલ્સને કંપનીના ઇન્ટિગ્રેટેડ ઓપરેશન્સ કન્ટ્રોલ સેન્ટર (IOCC)ના નર્વ કેન્દ્ર (એરલાઇનના મુખ્ય કેન્દ્ર)ને સીધા તેમને રિપોર્ટ કરવા માટે અને ઓન-ટાઇમ પર્ફોર્મન્સમાં સુધારા માટે ભલામણો આપવા નિર્દેશ આપ્યા છે.
એર ઇન્ડિયા સરકારી એરલાઇન કંપની હતી, પણ ગયા વર્ષે તાતા ગ્રુપે એક ટેન્ડર પ્રક્રિયા દ્વારા કંપનીને ખરીદી લીધી હતી. હવે કંપનીનું સંચાલન ટાટા ગ્રુપની પાસે છે.