એશિયન ડેવલપમેન્ટ બેન્કે 8.5 અબજનો મસાલા બોન્ડ્સ ઈશ્યુ INX પર લિસ્ટ કર્યો

મુંબઈઃ બહુરાષ્ટ્રીય બેન્ક એશિયન ડેવલપમેન્ટ બેન્કે અમદાવાદસ્થિત ગિફ્ટ સિટીમાં આવેલા ઈન્ડિયા આઈએનએક્સના ગ્લોબલ માર્કેટ પ્લેટફોર્મ (જીએસએમ) પર તેનાં 10 વર્ષની મુદતનાં રૂ. 8.5 અબજનાં મસાલા બોન્ડ્સ આજે લિસ્ટ કર્યાં હતાં. જીએસએમની 2018માં સ્થાપના થઈ એ પછી 4.8 અબજ યુએસ ડોલરની મીડિયમ ટર્મ નોટ્સ અને 21 અબજ ડોલરથી અધિકનાં બોન્ડ્સનું લિસ્ટિંગ થયું છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કનાં મસાલા બોન્ડ્સ લક્ઝમબર્ગ અને ઈન્ડિયા આઈએનએક્સ એમ બે જગ્યાએ લિસ્ટેડ છે.

આ પ્રસંગે ઈન્ડિયા આઈએનએક્સ ઈન્ડિયાના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રમણ્યને કહ્યું, “આ પ્રથમ વાર એવું બન્યું છે કે એક વિદેશી ઈશ્યુઅરે ઈન્ડિયા આઈએનએક્સમાં તેના પ્રાઈમરી ઈશ્યુનું લિસ્ટિંગ કર્યું છે અને અમે એશિયન ડેવલપમેન્ટ બેન્કનું સ્વાગત કરીએ છીએ. એશિયન ડેવલપમેન્ટ બેન્કના પગલે સ્થાનિક અને વિદેશી ઈશ્યુઅરો ગિફ્ટ સિટીમાંના આઈએફએસસી પ્રતિ વધુ જોતા થશે.”

એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)ના ટ્રેઝરર પિયેર વાન પેટેઘમે કહ્યું, “ભારત ખાતેના નવા ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટરને ટેકો પૂરો પાડવાનો અમને આનંદ છે. ભારત ખાતેના લિસ્ટિંગ નિયમો અને પ્રક્રિયા વૈશ્વિક ધોરણો અનુસારનાં છે. બજાર ઝડપી અને વધુ કાર્યક્ષમ છે.” એજીબીનાં બોન્ડ્સ અમેરિકા (21 ટકા)ના અને યુરોપના (79 ટકા) રોકાણકારોને વિતરીત કરવામાં આવ્યાં છે. 28 ટકા બેન્કો પાસે અને 72 ટકા ફંડ મેનેજર્સ પાસે છે. આ નાણાંનો ઉપયોગ એડીબી સ્થાનિક ચલણમાં ધિરાણ આપવા અને મૂડીરોકાણ માટે કરે છે.