અદાણીએ NDTVમાં હિસ્સા માટે ITની મંજૂરીના દાવાને ફગાવ્યો

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપે NDTVના પ્રમોટર ગ્રુપની કંપની RRPR હોલ્ડિંગની એ દલીલ ફગાવી દીધી છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે મિડિયા કંપનીમાં પોતાના હિસ્સાને હંગામી ધોરણે જપ્ત કર્યો છે. BSEની સાથે નિયામકીય ફાઇલિંગમાં અદાણી ગ્રુપે RRPR હોલ્ડિંગનું નિવેદન ખોટું અને ભ્રામક જણાવતાં NDTV પ્રમોટર ગ્રુપની પાંખને વોરન્ટને ઇક્વિટી શેરોમાં તબદિલ કરવા કહ્યું હતું.

BSEને અદાણી ગ્રુપનો પત્ર ત્યારે આવ્યો, જ્યારે RRPR હોલ્ડિંગ વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રા. લિ. (VCPL-અદાણી એન્ટપ્રાઇઝની એકસ સબસિડિયરી કંપની)ને જાણ કરી હતી કે NDTVમાં એનો (RRPR હોલ્ડિંગ્સ)નો હિસ્સો આવકવેરાના અધિકારીઓ દ્વારા હંગામી ધોરણે જપ્ત કર્યો છે અને ટ્રાન્સફર માટે એની (IT વિભાગની) મંજૂરીની જરૂર છે.

VCPLએ કેટલીક અન્ય કંપનીઓની સાથે મિડિયા કંપનીમાં એક મહત્ત્વનો હિસ્સો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. આવા પગલાને NDTVએ વેરભાવથી હસ્તાતંરણના રૂપે ગણાવ્યું છે. 23 ઓગસ્ટે અદાણી ગ્રુપના VCPLના માધ્યમથી NDTVમાં 29.18 ટકા પરોક્ષ હિસ્સો હસ્તાંતરણ કર્યાની ઘોષણા કરી હતી, જેમાં RRPR હોલ્ડિંગમાં 99.99 ટકા હિસ્સો હતો.

આ પહેલાં આ હસ્તાંતરણ વિશે અદાણી ગ્રુપની જાહેરાત પછી NDTVએ 25 ઓગસ્ટે સ્ટોક એક્સચેન્જોને સૂચિત કર્યું હતું કે તેના પ્રમોટરોને 26 નવેમ્બર, 2022 સુધી સિક્યોરિટી માર્કેટ સુધી હિસ્સો લેવા માટે અટકાવવામાં આવ્યા છે અને એટલે અદાણી ગ્રુપને માર્કેટ નિયામક સેબીની મંજૂરી લેવી જરૂરી છે, પણ એના જવાબમાં અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઇઝીસે એક્સચેન્જીસને ફાઇલિંગમાં કહ્યું હતું કે NDTVના શેરોને પોતાની સબસિડિયરી કંપની દ્વારા લેવામાં બજાર નિયામકની મંજૂરીની કોઈ જરૂરી નથી.