ગૌતમ અદાણી બન્યા દુનિયાના ત્રીજા નંબરના ધનવાન

અમદાવાદઃ દુનિયામાં ટોચની અબજોપતિ વ્યક્તિઓ વિશે બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, વ્યાપાર સમૂહ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હવે ત્રીજા નંબરે આવી ગયા છે. ફ્રાન્સના અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ રાખી દઈને અદાણી હવે દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. રેન્કિંગ્સમાં ગૌતમ અદાણીની આગળ હવે માત્ર બે જ વ્યક્તિ છે – ઈલોન મસ્ક અને જેફ બેઝોસ. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ટોપ-3માં કોઈ ભારતીયએ આ પહેલી જ વાર સ્થાન મેળવ્યું છે.

60-વર્ષીય અદાણીની કુલ સંપત્તિનો આંક છે – 137.4 અબજ ડોલર. એમણે લૂઈ વિટ્ટનના ચેરમેન આર્નોલ્ટને પાછળ રાખી દીધા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 11મા નંબરે છે. એમની નેટ વર્થ છે 91.9 અબજ ડોલર.