મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટ શુક્રવારે ફ્લેટ રહી હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0-04 ટકા (21 પોઇન્ટ) વધીને 54,491 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 54,470 ખૂલીને 55,077ની ઉપલી અને 52,725 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના કોઇનમાંથી સોલાના અને અવાલાંશમાં અનુક્રમે 8.74 અને 6.57 ટકાનો વધારો થયો હતો. ટોચના ઘટેલા કોઇન યુનિસ્વોપ, પોલીગોન, શિબા ઇનુ અને લાઇટકોઇન હતા.
ભારતમાં બનેલી મહત્ત્વપૂર્ણ ઘટનામાં તેલંગાણા સરકારે વેબ3 ઉદ્યોગની અગ્રણી કંપની પોલીગોન લેબ્સ, ભારત વેબ3 એસોસિયેશન અને યુરોપિયન ક્રીપ્ટો ઇનિશિયેટિવ સહિતની સંસ્થાઓ સાથે સહકાર સાધ્યો છે. એના મારફતે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તથા સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમના સંસદસભ્ય નાતાલી એલફિકે સરકારને અનુરોધ કર્યો છે કે એણે બ્લોકચેઇન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે વધુ પગલાં ભરવાં.