અમદાવાદઃ ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના રોગચાળાને કારણે આર્થિક ફટકા પછી ભારતીય કોર્પોરેટ જગતમાં ઝડપથી આર્થિક સુધારાની આશા છે, ત્યારે ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે દિવાળી ટાણે સારા સમાચાર આવ્યા છે. ગ્લોબલ પ્રોફેશનલ સર્વીસીસ કંપની એઓને ભારતમાં લેટેસ્ટ સેલરી ટ્રેન્ડ વિશે એક સર્વેક્ષણ હાથ ધર્યો હતો. એના પરથી એણે એવું તારણ આપ્યું છે કે 87 ટકા કંપનીઓએ 2021માં પોતપોતાના કર્મચારીઓનો પગાર વધારવાની યોજના બનાવી છે. જ્યારે 2020માં 71 ટકા કંપનીઓએ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો.
આગામી વર્ષે અનેક કંપનીઓ કર્મચારીઓની સેલરીમાં વધારો કરવાની યોજના ઘડી રહી છે, પણ આ વધારો 60 ટકાથી વધુ નહીં હોય. જોકે 61 ટકા કંપનીઓ આશરે 2020માં 4.5 ટકા વધારાની તુલનામાં 5-10 ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે.
પરિણામે 2020માં વાસ્તવિક સરેરાશ પગારવધારો 6.1 ટકાની તુલનાએ વર્ષ 2021માં 7.3 ટકા વધારો થવાનો અંદાજ છે. જોકે આ સર્વેક્ષણ એઓન વેતન ટ્રેન્ડ્સએ 20થી વધુ ઉદ્યોગોની 1050 કંપનીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું છે.
આ સર્વેક્ષણમાં આઇટી, ફાર્મા, લાઇફ સાયન્સિસ અને આઇટી સંબંધિત ક્ષેત્રો સામેલ છે, જેમાં ઊંચો પગારવધારો થવાની શક્યતા છે, જ્યારે હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ ક્ષેત્રે નીચો પગારવધારો થવાની શક્યતા છે. જોકે વર્ષ 2020માં 6.1 ટકાનો સરેરાશ પગારવધારો ઇતિહાસમાં સૌથી ઓછો છે, વળી, એ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી નોંધાયેલા 6.3 ટકાના પગારવધારા કરતાં પણ ઓછો છે.
બીજી બાજુ આ સર્વેની બે તૃતીયાંશ કંપનીઓ 2020ની સરખામણીએ 2021માં સમાન અથવા ઊંચો પગારવધારો કરવાનું લક્ષ્ય ધરાવે છે. જોકે 26.7 ટકા કંપનીઓએ 2021માં ઊંચા પગારવધારાનો અંદાજ માંડ્યો છે, જ્યારે 39.8 ટકા કંપનીઓની 2020 જેટલા જ સમાન પગારવધારાની યોજના છે, જ્યારે 33.5 ટકા કંપનીઓ 2021માં ઓછો પગારવધારો કરવાની યોજના ધરાવે છે.
એઓનના ડિરેક્ટર નવનીત રતને કહ્યું છે કે રોગચાળાએ વિવિધ ક્ષેત્રો અને ઓર્ગેનાઇઝેશનો પર માઠી અસર કરી છે.