DHFL-કેસઃ ક્રેડિટરોને સંગઠિત થવા 63 મૂન્સ ટેક્નોલોજીસની અપીલ

મુંબઈઃ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ની ઇન્સોલ્વન્સી કાર્યવાહીમાં કંપનીના નોન કન્વર્ટિબલ ડિબેન્ચરધારકો અને ફિક્સ્ડ ડિપોઝિટના ધારકોને નુકસાન થવાનું હોવાથી તેમણે મુંબઈસ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ અલગ અલગ અરજીઓ કરીને દાદ માગવી એવો અનુરોધ 63 મૂન્સ ટેક્નોલોજીસે કર્યો છે.

63 મૂન્સનું કહેવું છે કે હાલની ડીએચએફએલની નાદારીની પ્રક્રિયામાં ડિબેન્ચરધારકો ફિક્સ્ડ ડિપોઝિટના ધારકોએ હેરકટ સહન કરવું પડશે અને પરિણામે એમને આશરે 50,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

નોંધનીય છે કે ડીએચએફએલના 200 કરોડ રૂપિયાના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર ધરાવતી 63 મૂન્સ ટેક્નોલોજીસે નાણાંની વસૂલાત માટે ટ્રિબ્યુનલમાં અરજી કરેલી છે. તેણે જણાવ્યા મુજબ ગ્રાન્ટ થોર્નટને કરેલા ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું છે કે ડીએચએફએલના પ્રમોટરોએ નાણાંની ઉચાપત કરી છે.

63 મૂન્સે કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડીએચએફએલના પ્રમોટરોએ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની કલમ 66 હેઠળ ફ્રોડ્યુલન્ટ ટ્રાન્ઝેક્શન રિકવરી બેનિફિટ તરીકે આશરે 30,000 કરોડ રૂપિયા સંબંધે અરજી કરી છે. જો એ માફી આપવામાં આવે તો ક્રેડિટરોને એટલે કે બેન્કો, નોન કન્વર્ટિબલ ડિબેન્ચરધારકો અને ફિક્સ્ડ ડિપોઝિટ ધારકોને મોટું નુકસાન થશે. ડીએચએફએલના ડિફોલ્ટનું નુકસાન ખરેખર તો ક્રેડિટરોને થયું છે.

ડીએચએફએલના રિઝોલ્યુશન પ્લાન મુજબ રિકવરીની પ્રક્રિયાનાં નાણાં ડીએચએફએલ ખરીદનારાઓને મળશે. તેઓ 85,000 કરોડ રૂપિયાના કંપનીના કરજમાંથી ફક્ત 35,000 કરોડ રૂપિયા ચૂકવશે. આમ, તેઓ કુલ 50,000 કરોડ રૂપિયા ક્રેડિટરોને નહીં ચૂકવે. જો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં અરજી કરાયા બાદ ટ્રિબ્યુનલ ક્રેડિટરોની તરફેણમાં ચુકાદો આપશે તો લગભગ 65,000 કરોડ રૂપિયાની રિકવરી થશે. એમાંય વળી ખરીદદાર કંપની બિડ વધારશે તો ક્રેડિટરોને પૂરેપૂરાં નાણાં પાછાં મળી શકશે. આથી ક્રેડિટરોએ પોતાનાં નાણાંની વસૂલાત માટે ટ્રિબ્યુનલમાં અલગ અલગ અરજી કરવી જોઈએ. ડીએચએફએલના સ્થાપકોએ પોતાની પાસે 40,000 કરોડ રૂપિયા કરતાં વધુ સંપત્તિ હોવાનું કબૂલ્યું છે. આથી તેમની પાસેથી નાણાંની રિકવરી કરવાનું શક્ય છે. આ કંપની માટેનો ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળનો રિઝોલ્યુશન પ્લાન કોડનું ઉલ્લંઘન કરનારો તથા ક્રેડિટરોને નુકસાન કરનારો હોવાનું 63 મૂન્સે અખબારી યાદીમાં જણાવ્યું છે.