એટી1 બોન્ડના કેસમાં 63 મૂન્સ ટેક્નોલોજીસ સહિતના અરજદારોનો વિજય

મુંબઈઃ યસ બેન્કના એટી1 બોન્ડના કેસમાં મુંબઈ વડી અદાલતે શુક્રવારે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તેને પગલે 63 મૂન્સ ટેક્નોલોજીસ સહિતના સંખ્યાબંધ રોકાણકારોને મોટી રાહત થઈ છે.

એટી1 (એડિશનલ ટીઅર 1) બોન્ડ રાઇટ ઓફ કરવા માટે યસ બેન્કના એડમિનિસ્ટ્રેટરે અગાઉ આદેશ બહાર પાડ્યો હતો, જેને મુંબઈ વડી અદાલતે રદ કર્યો છે. એડમિનિસ્ટ્રેટરના નિર્ણયને 63 મૂન્સ ટેક્નોલોજીસ તથા અન્ય રોકાણકારોએ વડી અદાલતમાં પડકાર્યો હતો.

63 મૂન્સે માર્ચ 2018માં આ બોન્ડમાં 300 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

નોંધનીય છે કે યસ બેન્કમાં કથિત નાણાકીય ગેરરીતિઓ થવાને પગલે સરકારે એ બેન્કને ઉગારી લેવાની ફરજ પડી હતી. બેન્કને ટેક ઓવર કરનાર રિઝર્વ બેન્કે પોતાના પ્લાન હેઠળ આશરે કુલ 8,300 કરોડ રૂપિયાના એટી1 બોન્ડ રાઇટ ઓફ કરવાનો નિર્ણય લીધો હતો.

63 મૂન્સે આંતરરાષ્ટ્રીય પ્રથાઓ અને બેઝલ-3 નિયમો હેઠળ આ કેસમાં દલીલો કરી હતી. એની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે યસ બેન્કે સારા વળતરનું વચન આપીને એટી1 બોન્ડમાં લેવાયેલા રોકાણનો સંપૂર્ણપણે દુરુપયોગ કર્યો હતો.

63 મૂન્સ ઉપરાંત અન્ય અરજદારો પણ આ કેસમાં હતા, જેમણે દલીલ કરી હતી કે એટી1 બોન્ડને ઈક્વિટી કરતાં પણ નિમ્ન સ્તરના ગણવામાં આવે અને એ રાઇટ ઓફ કરાય એ ઉચિત નથી.

અહીં  એ પણ જણાવવું રહ્યું કે ભારતીય બેન્કોએ ઇસ્યૂ કરેલા કુલ લગભગ 94,000 કરોડ રૂપિયા મૂલ્યના એટી1 બોન્ડના મોટી સંખ્યામાં રોકાણકારો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]