દુનિયાભરમાં 50% કંપનીઓ નોકરીઓમાં કાપ મૂકવાની વેતરણમાં

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ સેવાઓ પૂરી પાડતી અમેરિકન કંપની પ્રાઈસવોટરહાઉસકૂપર્સ (PwC) દ્વારા હાલમાં જ કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી તૈયાર કરાયેલા અહેવાલમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આર્થિક મંદીને કારણે દુનિયાભરમાં 50 ટકા જેટલી કંપનીઓ નોકરીઓમાં કાપ મૂકવા ધારે છે. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટા ભાગની કંપનીઓ બોનસ ઘટાડી રહી છે અને નવા લોકોને નોકરીએ રાખવાનું રદ કરી રહી છે.

અમેરિકામાં મોટા ભાગની કંપનીઓ કૌશલ્યવાન કર્મચારીઓને જાળવી રાખવા મથે છે, તેમજ ઉચિત નિપુણતા ધરાવતા નવા લોકોને જ નોકરીએ રાખવા ઈચ્છે છે. 50 ટકા કંપનીઓ એમના કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે, 46 ટકા કંપનીઓ કર્મચારીઓને બોનસની રકમ આપવાનું પડતું મૂકી રહી છે અથવા ઘટાડી રહી છે તો 44 ટકા કંપનીઓએ નવા લોકોને નોકરીએ રાખવાનું રદ કરી રહી છે.