મુંબઈઃ દેવાંમાં ડૂબેલી ફ્યુચર રિટેલ લિ.ના હસ્તાંતરણ માટે સંભવિત અરજદારોની અંતિમ યાદીમાં 48 કંપનીઓને સામેલ કરવામાં આવી છે, જેમાં રિલાયન્સ રિટેલ, જેસી ફ્લાવર્સ, યુકે સ્થિત ટ્રાવેલ રિટેલર WH સ્મિથ ટ્રાવેલ, જેસી ફ્લાવર્સ, જિંદાલ પાવર લિ અને અદાણી ગ્રુપ પણ સામેલ છે. ફ્યુચર રિટેલ લિ. (FRL)એ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.
રિઝોલ્યુશન પ્રોફેશનલે FRLની એસેટ માટે બોલી લગાવવા માટે કંપનીઓ પાસે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મગાવ્યા હતા. 48 સંભવિત રિઝોલ્યુશન અરજીકર્તાઓની છેલ્લી યાદી જાહેર થયા પછી માનવામાં આવે છે કે આ પ્રક્રિયા આગામી તબક્કામાં આગળ ધપશે. ફ્યુચર રિટેલે લોન આપનારી કંપની પાસે ઇન્સોલ્વન્સી રિઝોલ્યુઝન પ્રોસેસ (CIRP)ને પૂરી કરવા માટે 90 દિવસ વધારવાની મંજૂરી માગી હતી. FRL બેન્કોને લોન ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. ત્યાર બાદ નાદારીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ ઠરાવ માટે 330 દિવસનો સમય નક્કી છે. આ કાયદાની કલમ 12 (1) મુજબ પ્રારંભના 180 દિવસની અંદર ઠરાવ પૂરો થઈ જવો જોઈએ. જોકે NCLT એ માટે 90 દિવસનો વધારાનો સમય આપી શકે છે. આ વધારાનો સમય એક જ વખત આપી શકાય છે. આ રીતે CIRPને પૂરી કરવા માટે મહત્તમ સમય 330 દિવસ છે.
આ પહેલાં FRLએ જણાવ્યું હતું કે તેની એસેટ્સ ખરીદવા માટે એને 49 પ્લેયર્સ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મળ્યા છે. બેન્ક ઓફ ઇન્ડિયાએ FRLને રૂ. 1441 કરોડ નહીં ચૂકવવા બદલ NCLTનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.