આઇસી15 ઇન્ડેક્સમાં 30 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં રોજગારના આંકડા નબળા આવ્યા એની અસર વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર પણ થઈ છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.08 ટકા (30 પોઇન્ટ) ઘટીને 38,269 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,299 ખૂલીને 38,510ની ઉપલી અને 38,163 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટક કોઇનમાંથી શિબા ઇનુ, યુનિસ્વોપ, એક્સઆરપી અને ડોઝકોઇન પાંચ ટકા સુધી ઘટ્યા હતા, જ્યારે અવાલાંશ, ચેઇનલિંક, પોલીગોન અને ઈથેરિયમમાં ચાર ટકા સુધીનો વધારો થયો હતો.

દરમિયાન, અમેરિકાના ફ્લોરિડા રાજ્યના મિયામી શહેરના મેયર ફ્રાન્સિસ સુઆરેઝે જાહેર કર્યું છે કે તેઓ વર્ષ 2024માં થનારી ચૂંટણીઓ માટેનું ભંડોળ ક્રીપ્ટોકરન્સીમાં સ્વીકારશે. બીજી બાજુ, ઓમાનની કેપિટલ માર્કેટ ઓથોરિટીએ વર્ચ્યુઅલ એસેટ્સના નિયમન સંબંધે જનતા પાસેથી અભિપ્રાય મગાવ્યા છે.