નવી દિલ્હીઃ રોકડની ખેંચ અનુભવી રહેલા ટેલિકોમ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રએ મોટા સુધારાની ઘોષણા કરી છે. જેથી ટેલિકોમ ઉદ્યોગને નવા યુગમાં પ્રવેશ કરવામાં, મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા અને દેવાંનો ભાર ઓછો થવાની શક્યતા છે. કેન્દ્રીય કેબિનેટે ટેલિકોમ અને ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે રાહત પેકેજને મંજૂર કરતાં મહત્ત્વના નિર્ણય લીધા છે. જેથી ટેલિકોમ કંપનીઓએ સ્ટેચ્યુચરી ડ્યુઝની ચુકવણી માટે ચાર વર્ષ માટેની મુદત આપવા સાથે ઓટોમેટિક રૂટે 100 ટકા વિદેશી મૂડીરોકાણની મંજૂરી સામેલ છે.
કેન્દ્રીય પ્રધાનો અશ્વિની વૈષ્ણવ તથા અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદમાં કેબિનેટના નિર્ણયોની માહિતી આપી હતી. ટેલિકોમ ક્ષેત્રે AGRનાં લેણાં તાણનું એક મુખ્ય કારણ છે.
સરકારે ટેલિકોમ ક્ષેત્રમાં 100 ટકા સીધા વિદેશી મૂડીરોકાણની મંજૂરી આપી છે, પણ એ પહેલાં આ ક્ષેત્રમાં 100 ટકા FDIની મંજૂરી હતી, પણ ઓટોમેટિક રૂટથી માત્ર 49 ટકા FDIની મંજૂરી હતી. એનાથી વધુ મૂડીરોકાણ માટે સરકારની મંજૂરી લેવી પડતી હતી. હવે ટેલિકોમ કંપનીઓ વિદેશી કંપનીઓને હિસ્સો વેચીને ફંડ એકઠું કરી શકે છે.
ટેલિકોમ ક્ષેત્રે લિલામી દ્વારા 20 વર્ષને બદલે 30 વર્ષના સમયગાળા માટે સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત ટેલિકોમ ઓપરેટર્સ માટે 10 વર્ષના લોક-ઇન-સમયગાળા પછી ભવિષ્યમાં લિલામીમાં હાંસલ કરેલા સ્પેક્ટ્રમને પરત કરવાની મંજૂરી હશે.
બીજી મોટી રાહત AGR મામલે આપવામાં આવી છે, કંપનીઓને AGRની રકમ ચૂકવવા માટે ચાર વર્ષનો સમય આપવામાં આવ્યો છે. જેથી AGR મુદ્દે કંપનીઓનો ડર ઓછો થવાની અપેક્ષા છે.
