મુંબઈ તા. 28 સપ્ટેમ્બર, 2023: દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ એનએસઈમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા આઠ કરોડને વટાવી ગઈ છે.એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે અમૃતકાલ માટેના વિઝનની રૂપરેખામાં ટેકનોલોજી અને જ્ઞાનમંડિત અર્થતંત્રનો સમાવેશ છે, જેની સાથે મજબૂત નાણાકીય ક્ષેત્રની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ટેકનોલોજીએ રોકાણ સંબંધિત જાણકારી પ્રાપ્ત કરવાનું અને રોકાણ કરવાનું આસાન બનાવ્યું છે. દેશના ઈક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં સ્થાનિક રોકાણકારોની વધેલી સામેલગીરી દેશના અર્થતંત્ર પર દૂરગામી અસર કરશે.
માત્ર આઠ મહિના પૂર્વે રોકાણકારોની સંખ્યા સાત કરોડ પરથી વધીને આઠ કરોડ થઈ છે અને નોંધાયેલા ક્લાયન્ટ્સ કોડ એકાઉન્ટ્સની સંખ્યા 14.9 કરોડ વટાવી ગઈ છે.
પાન આધારિત નવાં એક કરોડ ખાતાં માત્ર ટોચનાં શહેરો પૂરતાં સીમિત રહ્યાં નથી. જે નવાં રજિસ્ટ્રેશન થયાં છે તેમાં ટોચનાં 100 શહેરોમાં થયેલાં રજિસ્ટ્રેશનનો 45 ટકા હિસ્સો છે. ઉત્તર ભારતાં રાજ્યોનાં હિસ્સો 43 ટકા, પશ્ચિમનાં રાજ્યોનો 27 ટકા, દક્ષિણનાં રાજ્યોનો 17 ટકા અને પૂર્વનાં રાજ્યોનો હિસ્સો 13 ટકાનો રહ્યો છે. જે ટોચનાં શહેરો છે, તેમાં દિલ્હી (રાજધાની ક્ષેત્ર સહિત)નો હિસ્સો 7 ટકા, મુંબઈ (થાણે, રાયગઢ સહિત)નો 4.6 ટકા અને પુણેનો 1.7 ટકા રહ્યો છે.
બજારના સહભાગીઓમાં થયેલો આ વધારો શેરબજારમાં થયેલી વૃદ્ધિનું પરિણામ છે. નિફ્ટી 50 ઈન્ડેક્સે છેલ્લાં ત્રણ વર્ષમાં વાર્ષિક ધોરણે 22.6 ટકાનું વળતર અને નિફ્ટી 500 ઈન્ડેક્સે 24.89 ટકા પૂરું પાડ્યુ છે, જે લાંબા ગાળાની વૃદ્ધિને દર્શાવે છે અને આ વૃદ્ધિ થોડીક સ્ક્રિપ્સ પૂરતી સીમિત નથી એટલે કે બ્રોડ બેઝ્ડ છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જ 76 નવા રોકાણકારો નોંધાયા હતા. નાણાકીય વર્ષ 2023માં 1.3 કરોડ, 2022માં 1.9 કરોડ અને 2021માં 90 લાખ રોકાણકારો નોંધાયા હતા.
આઠ કરોડ પાન આધારિત રોકાણકારો એટલે કે દેશના આશરે પાંચ કરોડ કુટુંબો દેશના અગ્રણી એક્સચેન્જ એનએસઈના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક મારફત રોકાણ કરી રહ્યાં છે.