બજેટ 2025ઃઆર્થિક સુધારાઓ અને વિકાસની નવી દિશા

કેન્દ્રીય નાણમંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ એમનું આઠમું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું બીજું બજેટ છે. જેમાં GYAN (ગરીબ, યુવાનો, ખેડૂતો અને મહિલા સશક્તિકરણ) પર વધુ ફોક્સ રાખવામાં આવ્યું છે. જો કે આ બજેથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. આ વર્ષે બજેટમાં મધ્યમ વર્ગના લોકો માટે ટેક્સ સ્લેબમાં થોડી રાહત આપવામાં આવી છે. ત્યારે બજેટ રજૂ થયાની સાથે વ્યાપાર જગત સાથે જોડાયેલા અલગ અલગ લોકો બજેટને આવકીરા પોતાની પ્રતિક્રિયા આપી. આવો જાણીએ…

સંજય સિંગલ, સીઈઓ, વાઘ બકરી ટી ગ્રુપ

“નાણામંત્રીએ રાજકોષીય સમજદારી અને આર્થિક પ્રોત્સાહન વચ્ચે સારું સંતુલન સ્થાપિત કર્યું છે. કરમુક્ત આવક મર્યાદા 12 લાખ રૂપિયા સુધી વધારવાથી લોકોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. આ પગલાથી FMCG અને વિવિધ ક્ષેત્રોમાં માંગ વધશે અને ભારતીય અર્થતંત્રને વેગ મળશે તેવી અપેક્ષા છે. બજેટમાં કૃષિ ક્ષેત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોની કમાણી વધારવા માટે કૃષિ ઉત્પાદન, પાક વૈવિધ્યકરણ સહિતના પગલાં લેવામાં આવ્યા છે. MSMEને ટેકો આપવા, નિકાસ વધારવા અને બોજ ઘટાડીને સરળ વ્યવસાય માટે જાહેર કરાયેલા અનેક પગલાં ‘મેક ઇન ઇન્ડિયા’ને આગળ વધારવામાં મદદ કરશે.

મંજુલા પૂજા શ્રોફ, કેલોરેક્સના સ્થાપક અને સીઈઓ

“નાણામંત્રીએ શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય પર ખૂબ ભાર મૂક્યો છે. પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ IIT અને IISc માં ટેકનોલોજીકલ સંશોધન માટે 10,000 ફેલોશિપની જાહેરાત કરી, જેમાં નાણાકીય સહાય વધારવામાં આવશે, તેનાથી નવીનતાને વેગ મળશે. IIT અને મેડિકલ કોલેજોની ક્ષમતા વિસ્તરણ, શિક્ષણ માટે AI માં શ્રેષ્ઠતા કેન્દ્ર અને કૌશલ્ય માટે રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના એ સમયની જરૂરિયાત છે. પાંચ વર્ષમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના યુવા મનમાં જિજ્ઞાસા અને નવીનતાને પ્રોત્સાહન આપશે. સ્ટાર્ટઅપ્સ અને કૌશલ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં ખૂબ મદદ કરશે.”

મેહુલ સવાણી, ફાઉન્ડર, ગ્લેમ9, બ્યુટી ટેક સ્ટાર્ટ અપ

“બજેટમાં ઈનોવેશન અને ફાઈનાન્સિયલ સપોર્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે અને તે ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ આપે છે. સ્ટાર્ટ-અપ્સ માટે ક્રેડિટ ગેરંટી કવરને રૂ. 10 કરોડ પરથી બમણું કરી રૂ. 20 કરોડ કરવામાં આવતાં મહત્વના સેક્ટર્સમાં સ્ટાર્ટ-અપ્સ માટે મૂડીપ્રાપ્તિમાં વૃદ્ધિ કરશે. ફંડ ઓફ ફંડ્સને વધારી રૂ. 10,000 કરોડનું કરાતાં તથા ડેડિકેટેડ ડીપ ટેક ફંડ ઓફ ફંડ્સ નેક્સ્ટ જનરેશન સ્ટાર્ટઅપ્સ માટે ઉદ્દીપક બની રહેશે. ઉપરાંત, પછાત સમુદાયો માટે ફર્સ્ટ-ટાઈમ સાહસિકોને સપોર્ટ કરતી યોજના સમાવેષી ગ્રોથની દિશામાં મહત્વનું પગલું છે. સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની જાહેરાત જીજ્ઞાસા અને ઈનોવેશનને વેગ આપશે. સમગ્રતયા, આ બજેટ વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ તરીકે ભારતની પોઝીશનને મજબૂત બનાવે છે અને સાહસિકોને ઈનોવેશન માટે સક્ષમ બનાવે છે.”

સાક્ષી ગુપ્તા, મુખ્ય અર્થશાસ્ત્રી, HDFC બેન્ક 

મિડલ ક્લાસની માંગને માન આપીને આ બજેટમાં ટેક્સ ડિડક્સન એટ સોર્સની મર્યાદામાં ફેરફાર કરવાની સાથે પર્સનલ ઇન્કમ ટેક્સ સ્લેબને ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી ગ્રાહકોની માગમાં વધારો થવાની તથા વધેલી મોંઘવારીને ઘટાડવા અને ઘટેલી આવકને કારણે પડકારોનો સામનો કરી રહેલા મિડલ ક્લાસની બચતમાં વધારો થવાની સંભાવના છે. સામાન્ય માણસને આપવામાં આવેલી રાહતોથી વિશેષ આ બજેટમાં ‘લાઇટ ટચ’ રેગ્લુલેટરી એપ્રોચ મારફતે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસને સુધારવા પર આપવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષની રાજકોષીય વ્યૂહરચના કૃષિ, એમએસએમઈ, નિકાસને પ્રોત્સાહન આપવા તથા આગળ જતાં ભારતની ક્ષમતાનિર્માણ કરવામાં ખાનગી ક્ષેત્રની સહભાગીતાને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. બજેટ દ્વારા પૂરાં પાડવામાં આવેલા કાઉન્ટર-સાઇક્લિકલ પૂશને ફિસ્કલ કોન્સોલિડેશનની વ્યાપક વ્યૂહરચનાની અંદર જ રાખવામાં આવ્યું છે અને વર્ષ 2025-2026માં રાજકોષીય ખાધનું લક્ષ્ય 4.4% રાખવામાં આવ્યું છે. આવકવેરામાં ફેરફારને કારણે છોડવામાં આવેલી આવક છતાં વર્ષ 2025-2026માં ખર્ચમાં ઘટાડો કરીને ફિસ્કલ કોન્સોલિડેશન હાંસલ કરવામાં આવ્યું છે. આજે બજેટમાં જે જાહેરાતો કરવામાં આવી છે તે વર્ષ 2025-2026માં જીડીપી 6.6%ના દરે વૃદ્ધિ પામશે તેવી આપણી અપેક્ષાને બળ આપે છે.