બ્રાન્ડ ફાઇનાન્સ 2026 રિપોર્ટ: અમૂલ બની વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ

આણંદ: બ્રાન્ડ ફાઇનાન્સના ‘ફૂડ એન્ડ ડ્રિંક 2026’ અહેવાલ મુજબ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (GCMMF – અમૂલ)ને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ તરીકે સ્થાન મળ્યું છે. આ અભ્યાસમાં વિશ્વની સૌથી મૂલ્યવાન અને મજબૂત ડેરી, ફૂડ તેમજ બેવરેજ બ્રાન્ડ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અમૂલનું બ્રાન્ડ મૂલ્ય 22 ટકા વધીને 5 અબજ અમેરિકન ડૉલર (USD 5 billion) થયું છે. આ સાથે અમૂલને બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સમાં 100 માંથી 93.0 નો સ્કોર અને AAA+ બ્રાન્ડ સ્ટ્રેન્થ રેટિંગ પ્રાપ્ત થયું છે.આ ઉપરાંત, અમૂલે વૈશ્વિક સ્તરે અન્ય મહત્વપૂર્ણ સિદ્ધિઓ પણ મેળવી છે:

  • વિશ્વની બીજી સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ

  • વિશ્વની ચોથી સૌથી મૂલ્યવાન ડેરી બ્રાન્ડ

  • વિશ્વની 13મી સૌથી મૂલ્યવાન ફૂડ બ્રાન્ડ

  • વિશ્વની ટોચની 50 ફૂડ બ્રાન્ડ્સમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય બ્રાન્ડ

આ સિવાય, રાબોબેંકના ‘ગ્લોબલ ડેરી ટોપ 20–2026’ અહેવાલમાં પણ અમૂલે 12મું સ્થાન મેળવ્યું છે, જે અગાઉના વર્ષે 14મું સ્થાન હતું. તેમજ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સના ‘વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર 2025’માં દેશના પ્રતિ વ્યક્તિ GDPની સરખામણીએ ટર્નઓવરના આધારે અમૂલને વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા તરીકે સ્થાન મળ્યું છે.

અમૂલની આ અપ્રતિમ સફળતા 50થી વધુ દેશોમાં ફેલાયેલા 1 અબજથી પણ વધુ ગ્રાહકોના વિશ્વાસનું પરિણામ છે. સંસ્થાની આ સફળતા પાછળ 18,600થી વધુ ગ્રામ્ય ડેરી સહકારી મંડળીઓ અને 36 લાખ દૂધ ઉત્પાદકોની મહેનત રહેલી છે, જેમાં મહિલા દૂધ ઉત્પાદકો મુખ્ય કરોડરજ્જુ સમાન છે. “ધ ટેસ્ટ ઑફ ઇન્ડિયા” તરીકે જાણીતું અમૂલ સમગ્ર વિશ્વમાં સહકારી ક્ષેત્રનું ગૌરવ વધારી રહ્યું છે.