ક્વેટાઃ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમી શહેર ક્વેટામાં કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ અર્ધસૈનિક સુરક્ષા દળો (પેરામિલિટરી)ના મુખ્યાલયની બહાર થયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે અને 32 લોકો ઘાયલ થયા છે.
ક્વેટાના લોકોએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ ઘણી માઇલ દૂર સુધી સંભળાયો હતો. બોમ્બ વિસ્ફોટ થયા બાદ તરત જ ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી (ધમાકાની જગ્યાએ) સામે એમ્બ્યુલન્સ પહોંચી ગઈ અને બચાવ કર્મચારીઓએ ઘાયલોને નજીકની હોસ્પિટલો સુધી પહોંચાડ્યા હતા.
આ બોમ્બ વિસ્ફોટની જવાબદારી હજી સુધી કોઈ સંસ્થાએ નથી લીધી. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બલૂચિસ્તાનનાં અલગાવવાદી જૂથો તેની પાછળ હોઈ શકે છે. ક્વેટા બલૂચિસ્તાનનું જ એક શહેર છે, જ્યાં અગાઉ પણ બલૂચ બાગીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા.
સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો
પોલીસના જણાવ્યા મુજબ ઝરઘૂન રોડ નજીક થયેલો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસની ઇમારતોની બારીઓ અને દરવાજા તૂટી ગયા. આ વિસ્ફોટ બાદ તરત જ પોલીસ અને બચાવ દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. ફ્રન્ટિયર કોર્પ્સના જવાનો પણ ઘટનાસ્થળે હાજર છે.
Bomb blast reported at #Pakistan‘s #Quetta. Details awaited. pic.twitter.com/yrxTnJYREZ
— All India Radio News (@airnewsalerts) September 30, 2025
બલૂચિસ્તાનના આરોગ્ય મંત્રી બખ્ત મુહમ્મદ કાકરે શહેરની તમામ હોસ્પિટલોને તમામ ડોક્ટરો, ફાર્માસિસ્ટો, સ્ટાફ નર્સો અને પેરામેડિકલ સ્ટાફને તાત્કાલિક ડ્યુટી પર હાજર થવા કહ્યું છે. અધિકારીઓએ વિસ્ફોટની પ્રકૃતિ જાણવા તપાસ શરૂ કરી દીધી છે.
તેમના મુજબ આ બોમ્બ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા હજી વધી શકે છે. બલૂચિસ્તાનના હેલ્થ સેક્રેટરી મુજીબુર રહમાને જણાવ્યું હતું કે આ વિસ્ફોટ બાદ ક્વેટાની હોસ્પિટલોને મેડિકલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તમામ કન્સલ્ટન્ટો, ડોક્ટરો, ફાર્માસિસ્ટો, સ્ટાફ નર્સો અને પેરામેડિકલ સ્ટાફને હોસ્પિટલોમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
