પક્ષી પ્રેમીઓએ રિવરફ્રન્ટ પર અવનવા પક્ષીઓને નીહાળ્યા

અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા બાયોડાયવર્સિટી પાર્કમાં 5 જુલાઇને શનિવારની સવારથી અવનવા પક્ષીઓની રંગીન દુનિયાને જાણવાનો-જોવાનો રોમાંચક અવસર શરૂ થયો. પક્ષીઓને સમજનારા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ પક્ષીઓની દુનિયાને જાણી શકાશે. અંદાજે 191થી વધુ જાતિના પક્ષીઓને આંબેડકર બ્રિજ નીચેના બાયોડાયવર્સિટી પાર્કમાં હવે દર શનિવારે અને રવિવારે સવારે 6 થી 8 તેમજ સાંજે 5 થી 8 સુધી જાણી શકાશે.પક્ષીઓની આ રંગીન દુનિયા સાથે જોડાયેલા નિષ્ણાંત પ્રશાંત શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “પહેલાં સાબરમતી નદી મોટાભાગના દિવસોમાં સૂકીભઠ રહેતી. હવે જ્યારથી રિવરફ્રન્ટ બન્યો, સારા ચોમાસા, ઉપરવાસના પાણી, નર્મદાના પાણીથી અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી જીવંત થઇ ગઇ છે. એમાંય એક વર્ષ કરતાં વધુ સમયથી અમારી બર્ડ કન્ઝર્વેશન સોસાયટીની ટીમોએ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ-પશ્ચિમ કાંઠાનો અભ્યાસ કર્યો. એમાં તારણ નીકળ્યું કે રિવરફ્રન્ટના સંવર્ધન સતત નદીમાં સતત ભરેલા પાણી અને બાયોડાયવર્સિટી પાર્ક જેવા કાંઠાના જુદા-જુદા કુદરતી ઉપક્રમોના કારણે હજારોની સંખ્યામાં પક્ષીઓ વધ્યા.”

વધુમાં પ્રશાંત શાહ જણાવે છે કે, “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કુદરતી સંપદાની વૃધ્ધિમાં અને પક્ષી સંવર્ધનમાં સહયોગ મળી રહ્યો છે. બાયોડાયવર્સિટી પાર્કની જેમ રિવરફ્રન્ટ પર અસંખ્ય વૃક્ષોમાં પણ વૃધ્ધિ થતાં તેમજ નદીના પાણીના કારણે બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ અંદાજે 191 કરતાં પણ વધારે જાતિના પક્ષીઓને નિહાળ્યા છે અને અભ્યાસ કર્યો છે. શહેરના રિવરફ્રન્ટ પર જ આટલા બધા પક્ષીઓ વધ્યા એટલે પક્ષી પ્રેમીઓમાં ભારે આનંદ છે. એટલે જ બાયોડાયવર્સિટી પાર્કમાં દર શનિવારે અને રવિવારે તમામ ઉંમરના પક્ષી પ્રેમીઓ દુરબીન અને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)