માતૃશ્રાદ્ધ માટે ભારતનું પવિત્ર સ્થળ એટલે માતૃગયા તીર્થ બિંદુ સરોવર

ભાદરવા મહિનાનો કૃષ્ણપક્ષ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. શ્રાદ્ધ એટલે ‘શ્રદ્ધાયા યાયત્ ક્રિયતે- તત્- શ્રાદ્ધમ્ । શ્રધ્ધાથી ભાવપૂર્ણ રૂપે જે અંજલિ આપવામાં છે, તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. અર્થર્વવેદમાં શ્રાદ્ધનું મહત્વ જોવા મળે છે. જ્યારે સૂર્ય કન્યા રાશીમાં રહે ત્યારે પિતૃઓને તેમની પ્રિય વસ્તુઓને અપર્ણ કરવાથી દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. માતૃશ્રાદ્ધ : દેવી ભાગવતમાં કહેવાયુ છે માં જગ દમ્બા નવમીનાદિવસે પૃથ્વિ ઉપર પ્રગટ થયા હતા આથી નવમી દિવસનું માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે.

ભારતભરમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. દેશના કોઇ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એકમાત્ર અભિલાષા સ્વર્ગવાસ બાદ સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે. કારતક સુદ અગીયારસથી પૂનમ સુધીના ભીષ્મ પંચક પર્વ સમયે લાખો યાત્રાળુઓ મેળાના સ્વરૂપમાં એકત્ર થઈ સ્નાન-દાન અને પિંડપ્રદાન કરી પિતૃઓને મોક્ષ અપાવવાનો પ્રયત્ન કરે છે.

ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રાચીન સરસ્વતી નદી કિનારે વસેલું ઐતિહાસિક સ્થળ એટલે સિદ્ધપુર. સિદ્ધપુર શહેર અતિ પ્રાચીન ધાર્મિક, પવિત્ર અને ઐતિહાસિક નગરી છે. ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર શ્રીસ્થલ તરીકે પણ જાણીતું હતું. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેમના નામ પરથી સિદ્ધપુર તરીકે જાણીતું થયું.

ભગવાન પરશુરામે તેમના માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કરેલું. બિંદુ સરોવરને નાભિસ્થાન પણ ગણવામાં આવે છે, અહીં માત્ર માતૃશ્રદ્ધા જ થાય છે, તેવું વિધાન છે. બિંદુસરોવર ભારતનાં પાંચ શ્રેષ્ઠ ધાર્મિક સરોવરોમાનું એક છે. જ્યા પહેલાં કપિલમુનિનો આશ્રમ હતા. અહીં કદર્પઋષિએ અનેક વરસો સુધી તપશ્ચર્યા કરી હતી. કપિલ મુનિની અતિ તપશ્ચર્યાથી ભગવાન નારાયણ કદર્પૂ ઉપરની કરુણાથી ભગવાનનાં નેત્રોથી અશ્રુઓનાં બિંદુઓ આ સ્થળ ઉપર પડયા. જેથી આને બિંદુસરોવર કહેવામાં આવે છે. આને માતૃમોક્ષ સ્થાન પણ કહેવાય છે.

વર્ષ 2012માં અહીં નવીન કુંડનું નિર્માણ, માતૃશ્રાદ્ધનું મહત્વ સમજાવતું પ્રદર્શન, મ્યૂઝિયમ, પાર્કિંગ, કુંડ, શૌચાલય, શ્રાદ્ધ વિધિ માટે જુદી-જુદી છત્રીઓ હેઠળ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત રુદ્રમહાલયની પ્રતિકૃતિ, ગાર્ડન, સ્નાનાગાર, વી.આઈ.પી રૂમ, ઓફિસ બિલ્ડિંગ, પ્રવેશ દ્વાર, પરિસરની કમ્પાઉન્ડ વોલ, સોલાર સિસ્ટમ વગેરેને વિકસાવવામાં આવ્યા હતા. આ સિવાય સિદ્ધપુરના બિંદુ સરોવર મુકામે આવતા યાત્રાળુઓ માટે પુરતી સ્વચ્છતા, સુરક્ષા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, પૂજા-વિધિ હોલ, ચેન્જિંગ રૂમ, ગાર્ડન અને ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ કરવામાં આવી હતી.