નવી દિલ્હીઃ આ ઇન્ટરનેટના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ડેટા ચોરી છે. અંદાજે 16 બિલિયનથી વધુ લોગિન પાસવર્ડ લીક થયા છે. આ કોઈ જૂની માહિતી નથી, પરંતુ તાજેતરની ઘટના છે અને એડવાન્સ્ડ ઇન્ફોસ્ટીલર મેલવેર મારફતે આ ચોરી થઈ છે, એમ એક્સપર્ટ્સ માને છે.
ચોરી થયેલો ડેટા ઇન્ફોસ્ટિલર મેલવેર દ્વારા ધીમ-ધીમે એકઠો કરવામાં આવ્યો હતો. એક પ્રકારનું મેલેશિયસ સોફ્ટવેર, જે ઇન્ફેક્ટ થયેલ ડિવાઈસમાં શાંતિથી છુપાઈને બેસી રહે છે અને કોઈ એલાર્મ ઉઠાવ્યા આપ્યા લોગિન ક્રેડેન્શિયલ્સ ચોરી લે છે.
લીક થયેલા ડેટાનો એક ભાગ પહેલેથી કોમ્પ્રોમાઇઝ થયેલા પાસવર્ડ ડમ્પમાંથી બનેલો છે, પરંતુ આ લિકને ખાસ અને વધુ ખતરનાક બનાવે છે એ છે તાજા ઇન્ફોસ્ટિલર લોગ્સનો સમાવેશ. સાઇબર ન્યૂઝ અનુસાર આ ખાસ કરીને તેમના માટે જોખમજનક છે જેઓ MFA (multi-factor authentication)નો ઉપયોગ કરતા નથી અથવા સુરક્ષિત પાસવર્ડ હાઇજિનને અનુસરતા નથી. બીજાં શબ્દોમાં કહીએ તો જો તમે હજુ પણ એક જ પાસવર્ડ ફરીથી ફરીથી વાપરો છો અથવા વધારાની સુરક્ષા લેવલ્સ છોડો છો, તો તમે ગંભીર સંકટમાં પડી શકો છો. આ ડેટાસેટમાં યુઝર્સના નામ, પાસવર્ડ, ઓથેન્ટિકેશન ટોકન્સ, સેશન કૂકીઝ અને યુઝર્સ તથા પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલી પર્સનલ માહિતી તેમ જ મેટાડેટા સામેલ છે.
સાયબર સુરક્ષા એજન્સી દ્વારા ચેતવણી
ભારતની સાયબર સુરક્ષા એજન્સી Computer Emergency Response Team (CERT-In) એ આ ડેટા લિક પછી તાત્કાલિક એક એડવાઈઝરી જારી કરી છે. CTAD-2025-0024 ટેગ સાથે અને 23 જૂનની તારીખ ધરાવતી આ એડવાઈઝરીમાં Apple, Google, Facebook, Telegram, GitHub અને અનેક VPN સર્વિસેસ જેવા મોટાં પ્લેટફોર્મ્સ પરથી ચોરી થયેલી સેન્સિટિવ માહિતીના મોટા પ્રમાણમાં જાહેર થવા અંગે ચેતવણી આપી છે.
