ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી જાણવા મળે છે કે, દિવાળીના તહેવારની આસપાસ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં થઈ શકે છે, જેના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. આ વિસ્તરણ માત્ર સરકાર પૂરતું સીમિત નહીં રહે પણ સંગઠનમાં પણ ફેરફાર કરીને તેને વધુ એલર્ટ કરવામાં આવશે. આ સમગ્ર કવાયત પાછળનું મુખ્ય કારણ આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર અને સંગઠનને ધારદાર બનાવવાનું છે. મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની ‘ડિઝાઇન’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસમાં પાંચ કલાકની લાંબી બેઠક દરમિયાન તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
PM મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સંગઠન મહામંત્રી સહિત અન્ય અગ્રણીઓ સાથે પણ PM મોદીએ વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, મંત્રીમંડળનું વિસ્તરણ સંભવતઃ 15 થી 17 ઓક્ટોબરની વચ્ચે થઈ શકે છે. જો આ વિસ્તરણ થાય તો તે ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું મોટું વિસ્તરણ હશે.
આ વિસ્તરણમાં અનેક મોટા ફેરફારો જોવા મળી શકે છે. મંત્રીમંડળમાં લગભગ 14 થી 15 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે, જે સંગઠન અને સામાજિક સમીકરણોને સંતુલિત કરશે. આની સાથે જ, હાલના મંત્રીમંડળમાંથી 8 થી વધુ મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતા છે. જે મંત્રીઓને પડતા મુકાશે તેમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
