મોહમ્મદ યુનુસે સંભાળી બાંગ્લાદેશની કમાન, PM મોદીએ પાઠવી શુભકામના

ઢાકા: હિંસાની આગમાં શેકાઈ રહેલા પડોશી દેશમાં આખરે નવી સરકારની રચના થઈ ગઈ છે. શેખ હસીનાના તખ્તાપલટ બાદ નવી વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસ અને નવી વચગાળાની સરકારના સભ્યોને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે.

શેખ હસીનાએ 15 વર્ષ સુધી બાંગ્લાદેશ પર એકતરફી શાસન કર્યું. અવામી લીગના નેતા શેખ હસીનાને સોમવારે ભારે બળવાને કારણે રાજીનામું આપી દેશ છોડવાની ફરજ પડી હતી. વચગાળાની સરકારના પ્રમુખ બનવા માટે ડૉ. યુનુસ લંડનથી રાજધાની ઢાકા આવ્યાં હતા. ડો.યુનુસને વચગાળાની સરકારના વડા બનાવવાની માંગ બાંગ્લાદેશના વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. તેમણે સેના સહિત તમામ રાજકીય પક્ષોને અલ્ટીમેટમ આપ્યું હતું કે તેઓ અન્ય કોઈને વડા બનાવવાનું સ્વીકારશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા છે. PM મોદીએ કહ્યું છે, કે ‘પ્રોફેસર મોહમ્મદ યુનુસને તેમની નવી જવાબદારી બદલ શુભકામનાઑ. આશા રાખું છું કે જલ્દી જ સ્થિતિ સામાન્ય થશે અને હિન્દુઓ તથા અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે ભારત બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા તૈયાર છે.’

અનામત મામલે બાંગ્લાદેશમાં હજુ પણ હિંસા ચાલુ છે. શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના ઓછામાં ઓછા 29 સમર્થકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ રીતે બાંગ્લાદેશમાં મૃત્યુઆંક વધીને 469 થયો છે. હિંસા બાદ ત્યાં હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે. હિંસાનો ભોગ બનેલા હિંદુ લઘુમતી અને અવામી લીગના સમર્થકો ભારતીય સરહદ પર એકઠા થયા છે અને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે.