નવી દિલ્હી:પૂર્વ ભારતીય મહિલા પહેલવાન સાક્ષી મલિકે ભાજપ નેતા બબીતા ફોગાટને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં સાક્ષી મલિકે કહ્યું છે કે, ‘બબીતા ફોગાટે જ પહેલવાનોને બ્રિજભૂષણ સિંહ સામે ઉશ્કેર્યા હતા. કારણ કે તે પોતે બ્રિજભૂષણને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ પદેથી હટાવીને પ્રમુખ બનવા માગતી હતી.’
સાક્ષી મલિકે વધુમાં જણાવ્યું હતું કે, ‘બબીતા ફોગાટે ઘણાં પહેલવાનો સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે પહેલવાનોને રેસલિંગ ફેડરેશનની અંદર છેડતી સહિતની કથિત ગેરવર્તણૂક સામે વિરોધ કરવાની અપીલ કરી હતી.’ભાજપના નેતાઓ પર આરોપ લગાવતા સાક્ષી મલિકે જણાવ્યું હતું કે, ‘બબીતા ફોગાટ અને તીરથ રાણાએ અમને હરિયાણામાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી અપાવવામાં મદદ કરી. બબીતા ફોગાટે બ્રીજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરવાના વિચાર સાથે અમારો સંપર્ક કર્યો હતો, કારણ કે તેમનો પોતાનો એજન્ડા હતો. તે ડબ્લ્યુએફઆઇના પ્રમુખ બનવા માંગતી હતી.’બબીતા ફોગાટ વિશે વાત કરતાં સાક્ષી મલિકે કહ્યું, ‘અમને લાગ્યું કે તે (બબીતા) વિરોધમાં અમારી સાથે બેસીને સાથી પહેલવાન તરીકે ખોટાં કામો સામે અવાજ ઉઠાવશે. તે અમારા સંઘર્ષને સમજશે. પરંતુ અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે અમારી સાથે આટલી મોટી રમત રમશે.’