દિલ્હીમાં આજથી લાગુ થશે આયુષ્માન યોજના

નવી દિલ્હીઃ દિલ્હીમાં આજથી ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. આ સુવિધા હેઠળ નોંધાયેલી વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે દિલ્હી સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે શનિવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે.

કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર પૂરી પાડવા માટે છે. દિલ્હીમાં પણ આ લોકોને આ યોજનાનો લાભ મળશે. દિલ્હીમાં જેમની પાસે AAY કાર્ડ છે તેમના કાર્ડ પહેલાં બનાવવામાં આવશે. આ પછી, BPL કાર્ડધારકોનો વારો આવશે. 10 એપ્રિલ સુધીમાં આયુષ્માન યોજના ઓછામાં ઓછા એક લાખ લોકોને ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે, એમ અહેવાલ કહે છે.

તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે AB-PMJAY લાગુ કરવાનું વચન આપ્યું હતું. આ મામલે અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે AB-PMJAY સાથે આ યોજનાઓને મર્જ કરવાની વિચારણા ચાલી રહી છે. સંભવત આગામી સમયમાં લોકોને વધુ સુવિધા આપતી આ યોજનાઓને AB-PMJAYમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

CM રેખા ગુપ્તાએ સત્તામાં આવ્યા પછી તેમની પહેલી કેબિનેટ બેઠકમાં AB-PMJAYનો સમાવેશ કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં તેમના પહેલા બજેટ ભાષણમાં  ગુપ્તાએ જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર ફક્ત આ યોજના લાગુ કરશે નહીં, પરંતુ દરેક પાત્ર પરિવારને પાંચ લાખ રૂપિયાનું વધારાનું ટોપ-અપ પણ આપશે. આ પછી પરિવારદીઠ વીમા કવચ 10 લાખ રૂપિયા હશે. દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ તેમણે જણાવ્યું અમે નાગરિકોને વધુ સુવિધા આપવા તેમના હિતમાં અનેક નિર્ણયો લીધા છે તેમ જ નવી યોજનાઓ પણ શરૂ કરીશું.