નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની બધી 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે આપ પાર્ટી દિલ્હીમાં હેટ્રિક કરશે, જ્યારે ભાજપના પ્રવેશ વર્માએ કહ્યું હતું કે દિલ્હીના લોકો કેજરીવાલને ઓળખી ગયા છે અને દિલ્હીમાં કમળ ખીલશે, જ્યારે સંદીપ દીક્ષિતનું કહેવું છે કે લોકો વિકાસને મત આપશે.
દિલ્હીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદાન થયું હતું. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સૌથી વધુ 63.83 ટકા મતદાન નોંધાયું હતું. આ ભાજપના સાંસદ મનોજ તિવારીનો સંસદીય મતવિસ્તાર છે.દિલ્હીમાં મધ્ય દિલ્હીમાં, 53.45 ટકા, પૂર્વ-દિલ્હીમાં 57.09 ટકા, નવી દિલ્હીમાં 53.10 ટકા, નોર્થ દિલ્હીમાં 56.31 ટકા, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 52.73 ટકા, શાહદરામાં 59.58 ટકા, દક્ષિણ દિલ્હીમાં 54.89 ટકા અને દક્ષિણ-પશ્ચિમમાં 58.32 ટકા મતદાન થયું હતું. દિલ્હીમાં આ ચૂંટણીમાં 1.56 કરોડથી વધુ મતદાતાઓ તેમના મતદાનનો ઉપયોગ કરશે. દિલ્હી વિધાનસભા ક્ષેત્રોમાં 13,766 મતદાન કેન્દ્રો પર મતદાન થયું હતું, જેમાં 699 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદાતાઓ કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, LG વીકે સક્સેના, વિદેશ મંત્રી એસ જયશંકર, મુખ્યમંત્રી આતિશી અને રાહુલ ગાંધીએ મતદાન કર્યું છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ તેમની માતા સોનિયા, પતિ અને પુત્ર સાથે મતદાન કર્યું. અરવિંદ કેજરીવાલ પોતાના માતા-પિતાને વ્હીલચેર પર બેસાડીને મતદાન કરવા પહોંચ્યા.
ભાજપે આરોપ લગાવ્યો છે કે સીલમપુરમાં બુરખા પહેરેલી મહિલાઓને નકલી મતદાન કરાવવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. આ પછી પોલીસ અહીં તપાસ કરી રહી છે. આપ સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે નોર્થ એવન્યુ એન બ્લોકમાં 2000-3000 રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોની આંગળીઓ પર શાહી લગાવવામાં આવી હતી. આ બધું ચૂંટણી પંચના નાક નીચે થઈ રહ્યું છે.