ઓસ્ટ્રેલિયા: મેસેજિંગ એપ ટેલિગ્રામ પર 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ દંડ ઓનલાઈન સેફ્ટી એજન્સી દ્વારા લાદવામાં આવ્યો છે. કંપનીને આતંકવાદ અને બાળ દુર્વ્યવહાર સામગ્રીનો સામનો કરવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે તે અંગે પૂછવામાં આવ્યું હતું, પરંતુ કંપનીએ સમયસર જવાબ આપ્યો ન હતો.
ગયા વર્ષે મે મહિનામાં, ટેલિગ્રામ સહિત ઘણી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસમાં, તેમને ઓક્ટોબર સુધીમાં તેમના પ્લેટફોર્મ પર આતંકવાદ, હિંસક સામગ્રી અને બાળ દુર્વ્યવહાર સામગ્રીનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાં અંગે રિપોર્ટ સબમિટ કરવા કહેવામાં આવ્યું હતું.
160 દિવસની અંદર જવાબ આપ્યો નહીં
ટેલિગ્રામ 160 દિવસની અંદર પણ જવાબ આપવામાં નિષ્ફળ ગયું, જેના કારણે સરકારી સુરક્ષા એજન્સીએ 9,57,780 ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. ઓનલાઈન સેફ્ટી રેગ્યુલેટરના કમિશનર જુલી ઇનમેન ગ્રાન્ટે જણાવ્યું હતું કે આ કાર્યવાહી દર્શાવે છે કે બધી કંપનીઓએ ઓસ્ટ્રેલિયન કાયદાનું પાલન કરવું જોઈએ.
પાવેલ દુરોવને ગયા વર્ષે અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
ઘણા દેશોમાં ટેલગ્રામ એપની તપાસ ચાલી રહી છે. આ એપના સ્થાપક પાવેલ દુરોવને ગયા વર્ષે ઓગસ્ટમાં ફ્રાન્સ દ્વારા તપાસ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ એપ પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે આ એપ પર ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. જો કે, પાવેલ દુરોવ હાલમાં જામીન પર છે અને તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
ગયા વર્ષે પણ ટેલિગ્રામ પર સવાલો ઉભા થયા હતા
ગયા વર્ષે, ઓસ્ટ્રેલિયન સુરક્ષા ગુપ્ત એજન્સી, ઓસ્ટ્રેલિયન પોલીસ અને અન્ય એજન્સીઓએ ટેલિગ્રામ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. ટેલિગ્રામને એક એવા પ્લેટફોર્મ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. જેના દ્વારા લોકો ઉગ્રવાદી પ્રચાર વિડિઓઝ ઍક્સેસ કરી રહ્યા હતા.
ટેલિગ્રામ શું છે?
ટેલિગ્રામ એક મેસેજિંગ એપ છે, જેની મદદથી તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે કનેક્ટ થઈ શકો છો. તેની મદદથી તમે ફોટા અને વીડિયો પણ શેર કરી શકો છો. આ એક ક્લાઉડ-આધારિત સેવા છે. આમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ સુવિધા પણ ઉપલબ્ધ છે.
