એથ્લીટ સાવન બારવાલે રચ્યો ઈતિહાસઃ 44 વર્ષ બાદ મળ્યો મેડલ

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2026માં ભારતીય  એથ્લીટ (Runner) સાવન બારવાલે ઈતિહાસ રચ્યો છે. સાવને પુરુષોની મેરેથોન સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને રજત પદક પોતાને નામે કર્યો છે. એ સાથે જ એશિયન ગેમ્સની મેરેથોન સ્પર્ધામાં ભારતના મેડલ માટેનો 44 વર્ષનો લાંબો ઇન્તજાર ખતમ થયો છે.

સાવને માત્ર સિલ્વર મેડલ જ નથી જીત્યો, પરંતુ 2:11:37નો સમય નોંધાવીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપિત કર્યો હતો. રેસમાં જાપાનના યામાશિતાએ સુવર્ણ પદક જીત્યો હતો.

રેસમાં સાવન બારવાલનું શાનદાર પ્રદર્શન

શરૂઆતની લીડ (10 કિમીથી 21 કિમી): સાવન શરૂઆતના 10 કિલોમીટર બાદથી જ રેસના અગ્રણી દોડવીરોમાં સામેલ રહ્યા હતા. 21 કિલોમીટરનો હાફ-મેરેથોન માર્ક 1:05:54ના સમયમાં પૂર્ણ કરીને તેઓ રેસમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા હતા.

ટોપ-3માં મુકાબલો (30 કિમીથી 35 કિમી): રેસ આગળ વધતી ગઈ તેમ જાપાનના યામાશિતા, ચીનના હાન અને ભારતના સાવન બારવાલ વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળ્યો હતો. 36 કિમી પર નિર્ણાયક વળાંક: 36 કિલોમીટરના માર્ક પર જાપાનના યામાશિતાએ 20થી 30 મીટરની લીડ મેળવી લીધી. જોકે સાવને ધીરજ જાળવી રાખી અને મજબૂતીથી બીજા સ્થાને રહ્યા હતા. ફિનિશ લાઇન: સાવને પોતાની ગતિ જાળવી રાખી અને બીજું સ્થાન મેળવીને ભારત માટે ઐતિહાસિક સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા અન્ય ભારતીય રનર કાર્તિક કરકરા શરૂઆતના તબક્કામાં આગળ રહ્યા બાદ પાછળ રહી ગયા અને 19 રનર વચ્ચે 17મા સ્થાને રહ્યા હતા.

કોણ છે સાવન બારવાલ?

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના રહેવાસી સાવન બારવાલ ભારતીય સેનાના એથ્લીટ છે. એશિયન ગેમ્સ 2026માં 2:11:37નો સમય નોંધાવીને રજત પદક જીતનારા સાવને આ વર્ષે એપ્રિલમાં રોટરડેમની પ્રતિષ્ઠિત એનએન મેરેથોનમાં 48 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વર્ષ 2023માં યોજાયેલી એશિયન ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપમાં ભારતને કાંસ્ય પદક અપાવનાર સાવન હવે લાંબા અંતરની દોડમાં દેશના અગ્રણી એથ્લીટ તરીકે ઊભરી રહ્યા છે.