8મી વખત ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે ફાઈનલ, જાણો કોણે જીત્યા છે સૌથી વધુ ટાઈટલ

એશિયા કપ 2023માં ભારત અને શ્રીલંકાના રૂપમાં બે ફાઇનલિસ્ટ મળ્યા. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 17 સપ્ટેમ્બર, રવિવારના રોજ કોલંબોના આર.કે. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારત ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. આ પછી શ્રીલંકાએ સુપર-4માં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ મેચની ટિકિટ મેળવી હતી. એશિયા કપમાં આ પહેલીવાર નથી જ્યારે ભારત અને શ્રીલંકાની ટીમો ફાઇનલમાં આમને-સામને હોય. આ પહેલા બંને ટીમો ફાઇનલમાં 7 વખત સામસામે આવી ચુકી છે. બંને વચ્ચે પ્રથમ ફાઈનલ 1988માં રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. બંને વચ્ચે અત્યાર સુધી રમાયેલી 7 ફાઈનલમાં ભારતે 4 ટાઈટલ જીતીને લીડ જાળવી રાખી છે. જ્યારે શ્રીલંકાએ માત્ર ત્રણ વખત ભારત સામે ટાઈટલ મેચ જીતી છે. બંને વચ્ચે બીજી ટાઈટલ મેચ 1991માં રમાઈ હતી, જેમાં ભારત ફરી એકવાર વિજયી બન્યું હતું. ત્યારબાદ 1995માં બંને વચ્ચે રમાયેલી ટાઈટલ મેચ ભારતે ફરી જીતી હતી.

પહેલા ભારત પછી શ્રીલંકાએ હેટ્રિક લગાવીને ટાઈટલ જીત્યું હતું

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટાઈટલ મેચોમાં ભારતે ત્રણ વખત જીત મેળવીને હેટ્રિક નોંધાવી હતી. આ પછી 1997, 2004 અને 2008માં શ્રીલંકાએ ભારત સામે સતત ત્રણ ફાઇનલમાં જીત મેળવી અને હેટ્રિક નોંધાવી. જો કે આ પછી બંને વચ્ચે છેલ્લી ટાઈટલ ટક્કર 2010માં થઈ હતી જેમાં ભારતે જીત મેળવી લીડ મેળવી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે 2023માં રમાનારી ટાઈટલ મેચમાં કઈ ટીમ જીતે છે. ટાઇટલ મુકાબલામાં બંને વચ્ચે ટાઇ થશે કે પછી ભારત લીડ જાળવી રાખશે?

એશિયા કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી રમાયેલી ફાઇનલમાં વિજેતા

  • 1988- ભારત
  • 1991- ભારત
  • 1995- ભારત
  • 1997- શ્રીલંકા
  • 2004- શ્રીલંકા
  • 2008- શ્રીલંકા
  • 2010- ભારત