ઓવૈસીએ સંસદમાં ‘જય પેલેસ્ટાઈન’ ના નારા લગાવ્યા

હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ 18મી લોકસભાની કાર્યવાહીના બીજા દિવસે સંસદના સભ્ય તરીકે શપથ લીધા. શપથ લેતી વખતે ઓવૈસીએ ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવીને વિવાદ સર્જ્યો હતો. પ્રોટેમ સ્પીકરે અસસુદ્દીન ઓવૈસીને લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા માટે બોલાવ્યા હતા. ઓવૈસી આવ્યા અને બિસ્મિલ્લાના પાઠ કર્યા પછી સાંસદ તરીકે શપથ લીધા. સાંસદ તરીકે શપથ લીધા બાદ તેમણે બહાર નીકળતી વખતે ‘જય ભીમ, જય તેલંગાણા અને બાદમાં જય પેલેસ્ટાઈન’ના નારા લગાવ્યા હતા. જેના કારણે ભાજપના સાંસદોએ સંસદમાં હંગામો શરૂ કર્યો હતો.

ઓવૈસી પાંચમી વખત ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા

હૈદરાબાદ લોકસભા સીટ પરથી અસદુદ્દીન ઓવૈસી સતત પાંચમી વખત જીત્યા છે. આ વખતે અસદુદ્દીન ઓવૈસીને કુલ 6,61,981 મત મળ્યા અને તેમણે ભાજપની માધવી લતાને 3,38087 મતોથી હરાવ્યા. અગાઉ 2019ની ચૂંટણીમાં ઓવૈસી કુલ 58.95% વોટ શેર સાથે જીત્યા હતા.