147મી રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક

અમદાવાદ: અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થાય છે. 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરૂઆત થઈ હતી. ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઇને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે. અમદાવાદમાં રથયાત્રાના અલગ અલગ રંગ જોવા મળશે. રથયાત્રામાં શણગારેલા 18 ગજરાજ જોવા મળ્યા. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડબાજા, સાધુ સંતો સાથે 1000થી 1200 ખલાસી રથ ખેંચવા જોડાયા. 2000 જેટલાં સાધુ સંતો રથયાત્રામાં હાજર રહ્યા. હરિદ્વાર, અયોધ્યા, નાસિકથી પણ સંતો આવ્યા છે. ઉજ્જૈન, જગન્નાથ પુરીથી સાધુ સંતો આવ્યા છે. ટ્રકના ટેબ્લોમાં T20 વર્લ્ડ કપની જીતની ઝલક પણ જોવા મળી ને રામ મંદિરનો ટેબલો પણ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહ્યો. ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચુસ્ત સુરક્ષા વચ્ચે આ રથયાત્રા કાઢવામાં આવી છે. દર વર્ષે સવારે 7 વાગ્યે રથયાત્રા શરૂ થાય છે. જગન્નાથજીની રથયાત્રા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથજી આજે દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. પોલીસ પણ રથયાત્રાની સુરક્ષાને લઇને સતત સતર્ક છે. આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવી રહી છે. ભક્તોનો વહેલી સવારથી જ મંદિરમાં જમાવડો જોવા મળ્યો.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)