પુંચમાં પાકિસ્તાની ઘૂસણખોરીનો સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લામાં પાકિસ્તાની સેના દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ગોળીબાર પણ કર્યો હતો. પાકિસ્તાનની આ હરકતનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન એક લેન્ડ માઇનમાં વિસ્ફોટ થયો. ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ ભારે ગોળીબારી શરૂ કરી અને સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબાર અને ઘૂસણખોરીના પ્રયાસોની વચ્ચે ભારતે અસરકારક કાર્યવાહી કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જોકે આ ગોળીબારમાં ચાર ભારતીય જવાન ઘાયલ થયા છે.

જમ્મુ સ્થિત સેનાના અધિકારી લેફ્ટેનન્ટ કર્નલ સુનીલ બર્તવાલે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે LoC પર પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીના પ્રયાસને કારણે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં લેન્ડ માઇનમાં વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ કોઈ પણ ઉશ્કેરણી વિના ગોળીબાર કરી અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ સંયમિત અને સંતુલિત રીતે અસરકારક જવાબ આપ્યો છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને એની ચાંપતી નિગરાની રાખવામાં આવી રહી છે. ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (LoC) પર શાંતિ જાળવી રાખવા માટે 2021ના ડિરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGsMO) વચ્ચે થયેલી સમજૂતીના સિદ્ધાંતોનું પાલન કરવાની મહત્વતાને પુષ્ટિ આપી છે.