મુંબઈ: અનુપમ ખેરે ઘણીવાર પોતાની ફિલ્મો અને અંગત જીવન વિશે ખુલીને વાત કરી છે. પીઢ અભિનેતા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને ચાહકો સાથે હંમેશા કઈંકને કઈમક શેર કરતા હોય છે. પત્ની કિરન ખેર, પુત્ર સિકંદરથી લઈને માતા સુધી, અનુપમ અવારનવાર તેના પરિવાર સાથે તસવીરો અને વીડિયો શેર કરે છે. બીજી તરફ, જો કોઈ સમસ્યા હોય, તો અનુપમ ખેર તેને ઉકેલવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે. 2020માં અનુપમ ખેરને નસીરુદ્દીન શાહ સાથે થોડો વિવાદ થયો હતો, જેના પર તેમણે હવે ખુલીને વાત કરી છે. આ સમગ્ર વિવાદ પર અનુપમ ખેરનું કહેવું છે કે નસીરુદ્દીન શાહને જવાબ આપવો જરૂરી હતો, તેથી તેમણે પીઢ અભિનેતાને જવાબ આપ્યો. જો કે, તેણે એ પણ જણાવ્યું કે આ સમગ્ર વિવાદ પછી જ્યારે તે તેને મળ્યો તો બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતાં.
નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર વચ્ચે 2020માં દીપિકા પાદુકોણના JNU વિરોધ પ્રદર્શનમાં જોડાયા બાદ વિવાદ શરૂ થયો હતો. હવે શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં વાત કરતી વખતે અનુપમ ખેરે ફરી એકવાર આ વિવાદ વિશે વાત કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ‘જ્યારે બે મિત્રો અથવા બે વ્યક્તિઓ સાથે કામ કરે છે તેઓ અલગ-અલગ રાજકીય અભિપ્રાય ધરાવે છે ત્યારે શું થાય છે?’ જવાબમાં તેમણે કહ્યું- ‘મેં ક્યારેય અંગત સંબંધો બગાડ્યા નથી. મને નસીર સાહબ માટે ખૂબ માન છે. પરંતુ, જ્યારે તેણે મારા વિશે નકારાત્મક વાત કરી, ત્યારે મને લાગ્યું કે તેને જવાબ આપવો જરૂરી છે. મેં ભગવત ગીતા વાંચી છે. તેમાં, જ્યારે કૃષ્ણે અર્જુનને કહ્યું – આ તારો પરિવાર નથી, તારે આ કરવું પડશે. તેથી મારે પણ સત્ય કહેવું પડ્યું.
શું હતો મામલો?
વાસ્તવમાં, 2020માં ફિલ્મ ‘છપાક’ના પ્રમોશન દરમિયાન દીપિકા જેએનયુમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ઉભી જોવા મળી હતી. આના પર અનુપમ ખેર દીપિકાના વિરોધમાં દેખાયા તો નસીરુદ્દીન શાહ તેમના પક્ષમાં હતા. દીપિકાનું સમર્થન કરતાં નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને મનોરોગી અને જોકર પણ કહ્યા હતા. તેણે કહ્યું હતું- ‘તે અનુપમના લોહીમાં છે, તેને ગંભીરતાથી ન લેવો જોઈએ.’
અનુપમ ખેરે પણ વળતો જવાબ આપ્યો
નસીરુદ્દીન શાહના આ નિવેદન પર અનુપમ ખેરે પણ તીખી પ્રતિક્રિયા આપી અને પીઢ અભિનેતાને ફ્રસ્ટ્રેટેડ ગણાવ્યા હતા. તેણે કહ્યું- ‘નસીર સાહેબ, મેં તમને અને તમારી વાતને ક્યારેય ગંભીરતાથી લીધી નથી. આટલી સફળતા હાંસલ કરવા છતાં તમે તમારું આખું જીવન હતાશામાં વિતાવ્યું છે.’તમને જણાવી દઈએ કે, અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભ્યાસ કર્યો છે અને બંનેએ 2008માં રિલીઝ થયેલી ‘અ વેડનસ્ડે’ સહિત કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.