કંગનાને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ સામે વધુ એક કાર્યવાહી

ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ કંગના રનૌતને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની બેંગલુરુ બદલી કરવામાં આવી છે. થપ્પડ મારવાની ઘટના બાદ કૌરને સસ્પેન્ડ કરવામાં આવી હતી. પોલીસે તેની સામે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. કૌરના સસ્પેન્શન અને FIR વિરુદ્ધ ખેડૂત સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું.

આ ઘટના 6 જૂને બની હતી. કંગના રનૌત દિલ્હીમાં બીજેપી સંસદીય દળની બેઠકમાં ભાગ લેવા માટે ચંદીગઢ એરપોર્ટથી દિલ્હીની ફ્લાઈટમાં બેસીને જવાની હતી. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન CIFS મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી હતી. આ ઘટના બાદ કૌરે કહ્યું હતું કે કંગનાએ ખેડૂતોના આંદોલન પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તે દુખી થઈ હતી.

પંજાબના સુલતાનપુર લોધીના રહેવાસી કુલવિંદરે કહ્યું હતું કે તેનો પરિવાર ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલો છે. ખેડૂતોના આંદોલનને લઈને કંગનાએ કહ્યું હતું કે ખેડૂતોના આંદોલનમાં મહિલાઓ 100 રૂપિયા લઈને બેઠી છે. શું તે (કંગના) ત્યાં બેઠી હતી? મારી મા ત્યાં બેઠી હતી.