અનિલ શ્રીનિવાસન-ડૉ. પ્રવીણ દરજીને અંજલી ખાંડવાલા ક્રિએટિવ મેન્ટર એવોર્ડ એનાયત

અમદાવાદ: MICAના અમદાવાદ કેમ્પસ ખાતે તાજેતરમાં અંજલિ ખાંડવાલા ક્રિએટિવ મેન્ટર એવોર્ડ માટે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વર્ષ 2023-24 માટે આ એવોર્ડ પ્રખ્યાત સંગીતકાર અને શિક્ષક અનિલ શ્રીનિવાસન અને પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર ડૉ. પ્રવીણ દરજીને એનાયત કરવામાં આવ્યો હતો. ખંડવાલા ક્રિએટીવિટી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત, આ એવોર્ડ દર વર્ષે એક સર્જનાત્મક વ્યક્તિને આપવામાં આવે છે. જેમની પસંદગી ખાસ નિયુક્ત કરવામાં આવેલી જ્યુરી દ્વારા કરવામાં આવે છે.આ વર્ષે, SEWA (સ્વ-રોજગાર મહિલા સંગઠન) ના ડિરેક્ટર રીમા નાણાવટી, હજીરા LNG અને પોર્ટ કંપનીના ભૂતપૂર્વ MD અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ટ્રસ્ટના ટ્રસ્ટી નીતિન શુક્લા અને સ્કૂલ ઓફ ઇન્સ્પાયર્ડ લીડરશીપ (SOIL)ના સ્થાપક અને અધ્યક્ષ અનિલ મહેશ્વરીનો સમાવેશ આ પસંદગી ટીમમાં કરવામ્ આવ્યો હતો. 3 સભ્યોની આ સ્વતંત્ર જ્યુરી દ્વારા પ્રાપ્ત થયેલા 25 નામાંકનોમાંથી વિજેતા બે નામોની પસંદગી કરવામાં આવી હતી. વિજેતાઓને દરેકને રૂ. 1.50 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

આ એવોર્ડ સંમારભમાં વાત કરતા MICA ના સ્થાપક GC સભ્ય અને IIMAના ફોરમર ડિરેક્ટર પ્રો. પ્રદીપ ખાંડવાલાએ જણાવ્યું હતું કે, “આ એવોર્ડ મારી સ્વર્ગસ્થ પત્નીની યાદમાં આપવામાં આવે છે. જે ખૂબ જ સર્જનાત્મક વ્યક્તિ હતા. તેમણે કેનેડા અને ભારતમાં ઘણા યુવાનોને તેમની સર્જનાત્મક ક્ષમતા વિકસાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સર્જનાત્મક માર્ગદર્શક એવી વ્યક્તિ હોય છે જે આઉટ ઓફ ધ બોક્સ વિચારે છે અને તેમના માર્ગદર્શકની સર્જનાત્મકતાને માનસિક અવરોધોમાંથી મુક્ત કરવામાં મદદ કરે છે. જેથી તેઓને નવીન વિચારો આવી શકે.”આ વર્ષના વિજેતાઓના સર્જનાત્મક માર્ગદર્શક તરીકેના ગુણોની જો વાત કરીએ તો, અનિલ શ્રીનિવાસન MICAના ભૂતપૂર્વ વિદ્યાર્થી (૧૯૯૯ના બેચ) છે. સાથે જ તેઓ એક અગ્રણી સંગીતકાર અને શિક્ષક છે. તેમણે પોતાની આગવી શૈલીમાં યુવાનોને માર્ગદર્શન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આશરે 7,00,000થી વધુ વિદ્યાર્થીઓને તેમણે પ્રભાવિત કર્યા છે. જીવનમાં માર્ગદર્શનના અભાવે કોઈ પણ બાળક પાછળ ન રહી જવું જોઈએ એ વિચારધારા સાથે તેમણે સંગીત, શિક્ષણ અને ડિઝાઇનના ક્ષેત્રમાં કામ કર્યું છે. કલાઈમામણિ એવોર્ડ (તમિલનાડુ સરકાર) અને સંગીત નાટક અકાદમી એવોર્ડ પ્રાપ્તકર્તા, અનિલભાઈનો વાર્ષિક કોન્સર્ટ “ઇન ધ ડાર્ક” ખૂબ જ પ્રભાવિત કરે તેવો હોય છે. જેમાં તેઓ આંખે પાટા બાંધીને દૃષ્ટિહીન મહિલાઓ સાથે પ્રસ્તુતિ આપે છે. આ કાર્યક્રમમાંથી મળેલી રકમ જ્ઞાનદર્શન સેવા હોમને ટેકો આપે છે, જે મહિલાઓને મદદ કરે છે.ડૉ. પ્રવિણ દરજી ગુજરાત સ્થિત એક પ્રતિષ્ઠિત લેખક, વિવેચક અને શિક્ષણશાસ્ત્રી છે. જેમના 150થી વધુ પ્રકાશિત પુસ્તકો કવિતા, નિબંધો, સંશોધન અને અનુવાદોમાં ફેલાયેલા છે. સાહિત્યિક વર્કશોપ અને UGC-DRS સંશોધન કાર્યક્રમોમાં માર્ગદર્શક, સાહિત્ય અને શિક્ષણમાં યોગદાન માટે રણજીતરામ સુવર્ણ ચંદ્રક, કુમાર ચંદ્રક અને પદ્મશ્રી (2011) સહિતના પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

બંને વિજેતાઓ પોત-પોતાના ક્ષેત્રોમાં સર્જનાત્મકતા, માર્ગદર્શન અને કાયમી પ્રભાવને મૂર્તિમંત કરે છે.